સુરતથી ચારધામની યાત્રાએ ગયેલી મહિલાને બ્રેઇન સ્ટ્રોક આવતા એર એમ્બ્યુલન્સ લવાઈ, 13 દિવસની સારવાર બાદ મોત….

ઉનાળાના વેકેશનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ચારધામની યાત્રાએ જતા હોય છે. જેમાં સુરતથી એક મહિલા ચારધામની યાત્રાએ ગઈ હતી. ત્યારે ઉત્તરાખંડમાં મહિલાને બ્રેઇન સ્ટ્રોક આવતા તેણીને એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવામાં આવી હતી. અહીં મહિલાની 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યુ હતુ. જેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

13 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું
સુરત એરપોર્ટ ૫૨ એર એમ્બ્યુલન્સ આવી ત્યારે ડિમ્પલબેન બેભાન હતા. પહેલા ખટોદરા કેનાલ રોડની ખાનગી હોસ્પિટલમાં અને પછી કતારગામની ખાનગી હોસ્પિટલમાં ડિમ્પલબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 13 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

એર એમ્બ્યુલન્સથી સુરત ખસેડાઈ
એરપોર્ટ ઓથોરિટી દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી કે, એક ક્રિટિકલ દર્દી ઇમરજન્સીમાં દેહરાદૂનથી એર એમ્બ્યૂલન્સ દ્વારા સુરત આવી રહ્યું છે. જેના કારણે તાત્કાલિક અડાજણ લોકેશનની (એએલએસ ) 108 એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ રવાના કરી ફરજ પર રહેલા ઈએમટી શબ્બીરભાઈ અને પાઇલોટ તેજસ ભાઈને સંપૂર્ણ વિગત આપી હતી. પેશન્ટ બેભાન હોવાથી વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનિટરથી દર્દીની સારવાર ચાલુ કરી 108 સેન્ટરના ફિજિશ્યનના સંપર્કમાં રહી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.સુરતના પાલનપુર પાટિયા ખાતે રહેતા ડિમ્પલબેન અનિલભાઈ ભજિયાવાલા (42 વર્ષ) પતિ સાથે ચારધામની યાત્રા પર ગયા હતા. દરમિયાન 28 મેના રોજ દહેરાદૂનમાં અચાનક તેમની તબિયત લથડી જતાં તેમને ત્યાંની હિમાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેમનો રિપોર્ટ કઢાવ્યા બાદ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન થયું હતું. તેમની તાત્કાલિક બ્રેઇન સર્જરી કરવાની જરૂર હોવાથી સર્જરી કર્યા પછી તેમને 31 મેના રોજ ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સમાં સુરત લાવવામાં આવ્યા હતાં. એર એમ્બ્યુલન્સે આ અંતર પોણા પાંચ કલાકમાં કાપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.