અમરેલીમાં દીપડાના આતંક સામે કોંગી ધારાસભ્યએ ઉપાડી બંદૂક, ઠાર મારવા ઉશ્કેરતો વીડિયો વાઈરલ

અમરેલીના બગસરા અને વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આતંક અંગે બગસરા ખાતે યોજાયેલી એક સભામાં હાથમાં બારબોરની બંદૂક રાખીને વન વિભાગ દીપડાને ઠાર ન મારે તો લોકોએ કાયદો હાથમાં લેવા માટે ઉશ્કેરતો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ધરાસભ્ય સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે બગસરા પોલીસ મથકે પોલીસ દ્વારા કરવામાં આવેલી જાણવા જોગ નોંધ મુજબ બગસરા અને વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થોડા સમય પૂર્વે માનવભક્ષી દીપડાનો આતંક હતો અને ત્યારે ગત તા.૭ ડિસેમ્બર ૧૯ના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ બગસરાની સિવિલ હોસ્પિટલમાં પોતાના હાથમાં બારબોરની બંદૂક રાખીને જાહેરમાં લોકોને કહ્યું હતું કે, બગસરા, ધારી, વિસાવદર, જૂનાગઢ તાલુકાના વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ સત્તર જેટલા માણસોને ફાડી ખાધાં છે અને ઘણાં માણસોને ઈજા કરી છે એ દીપડાને જંગલખાતું પકડશે નહીં તો અમારે નાછુટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે દીપડાને ઠાર મારવો પડશે.

ધારાસભ્ય હર્ષદ રીબડિયાનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના અનુસંધાને પોલીસ દ્વારા ધારાસભ્ય સામે લોકોને બંદુક સાથે દીપડાને મારવા માટે ઉશ્કેરવા બદલ જાણવાજોગ નોંધ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે બગસરાના પી.આઈએ જણાવ્યું કે, ધારાસભ્ય પાસે જે બારબોરની બંદૂક હતી તે લાયસન્સવાળી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડયે ગુનો પણ નોંધવામાં આવશે. હાલ માત્ર જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. આ કેસમાં હજુ ધારાસભ્યનું નિવેદન લેવાનું બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news