બોલીવૂડ/ સલમાન ખાનના શો ‘બિગ બોસ 13’ના ઘરની પહેલી ઝલક

મુંબઈઃ ટીવીનો સૌથી મોટો કોન્ટ્રોવર્સિયલ શો ‘બિગ બોસ’ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ સીઝનને સલમાન ખાન હોસ્ટ કરતો જોવા મળશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ શોનું શૂટિંગ મુંબઈથી 95 કિમી દૂર લોનાવાલામાં થતું હતું પરંતુ આ વખતે મુંબઈમાં ગોરેગાંવમાં આવેલા ફિલ્મસિટીમાં સ્ટુડિયોમાં શૂટિંગ થશે. 18500 સ્કેવર ફીટમાં બનેલા આ ઘરમાં 93 કેમેરા લગાવેલા છે. શો શરૂ થતાં પહેલાં divyabhaskar.com એ આર્ટ ડિરેક્ટર ઓમંગ કુમાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગઈ વખત કરતાં આ વખતે ઘર ઘણું જ મોટું છે.

દરેક ફ્રેમ્સ, પેઈન્ટિંગને લાર્જર ધેન લાઈફ બનાવ્યું

આ સીઝનની ખાસ વાત એ છે કે આ વખતે લોનાવાલા નહીં પરંતુ મુંબઈમાં શોનો સેટ છે. આ વખતે કલરફુલ તથા યંગ થીમ વિચારીને ઘર બનાવવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે થીમ નક્કી કરી હતી. આ વખતે શોની થીમ ‘બિગ બોસ 13 મ્યૂઝિયમ.’ ઘર બનાવતા પહેલાં મને બ્રીફિંગ આપવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે યંગ ફીલ આવવું જોઈએ અને વાઈબ્રન્ટ ઘર હોવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને ‘બિગ બોસ 13’નું ઘર બનાવ્યું છે. દરેક ફ્રેમ્સ તથા દરેક પેઈન્ટિંગ્સને લાર્જર ધેન લાઈફ બનાવવામાં આવ્યું છે. દરેક દીવાલ તમારી સાથે વાત કરતી હશે. ઘરની દરેક બાબતો એ રીતે ડિઝાઈન કરી છે કે તમને લાગશે કે એ તમારી સાથે વાત કરે છે.

કિચનમાં બહુ બધા ઝઘડા જવા મળે છે

ઘરની અંદર અમે અનેક પ્રકારના પ્રાણીઓના ચિત્ર બનાવ્યા છે. ઘરમાં રહેતા દરેક સ્પર્ધક તે પ્રાણી સાથે પોતાની તુલના કરી શકશે, કારણ કે દરેક પ્રાણી કોઈને કોઈ પર્સનાલિટી સાથે મળતું આવે છે. મ્યૂઝિયમ થીમ હોવાને કારણે અનેક પેઈન્ટિંગ્સ છે. આખું ઘર રંગોથી ભરેલું છે. જોકે, કિચનમાં એકદમ હળવા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. કિચનમાં સ્પર્ધકોના બહુ ઝઘડા થાય છે અને તેથી જ અહીંયા ડાર્ક રંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

સલમાનને કારણે ઘર બદલ્યું તે વાત તદ્દન ખોટી છે

છેલ્લી ત્રણ સીઝનથી અમે લોનાવાલાને બદલે અન્ય જગ્યાએ શૂટ કરવાનું વિચારતા હતાં, જેના માટે અલગ-અલગ લોકેશન જોયા હતાં. જોકે, તેમાં રોકાણ વધી જતું હતું. ત્રણ વર્ષની શોધખોળ અંતે આ વર્ષે પૂરી થઈ. જોકે, સલમાનને કારણે ઘર બદલવામાં આવ્યું તે વાત તદ્દન ખોટી છે. સલમાન લોનાવાલામાં શૂટ કરવા માટે તૈયાર હતો. તે હંમેશાંથી સહયોગ આપતો હોય છે. અનેક ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને આ વખતે મુંબઈમાં શૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આનું કારણ સલમાન ખાન નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.