ચીને વાસ્તવિક મૃત્યુ આંક જાહેર ન કર્યો હોવાનો આરોપ,કોરોનાના સંક્રમણ પછી ચીનમાં બે કરોડ ફોન અચાનક બંધ

ચીનમાં અસ્થિ કળશની માગ વધી જતાં ધારણાં કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હોવાની શક્યતા : એકલા વુહાનમાં જ 5000 અસ્થિ કળશ વેચાયા

ચીનમાંથી કોરોના દુનિયાભરમાં ફેલાયો છે. ચીને હવે કોરોના ઉપર કાબુ મેળવી લીધો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવિક મૃત્યુ આંક જાહેર ન કર્યો હોવાનો આરોપ ચીન ઉપર લાગ્યો છે. એટલું જ નહીં, દાવો તો ત્યાં સુધી થાય છે કે ચીનમાં અચાનક છેલ્લાં ત્રણ માસમાં બે કરોડ ફોન બંધ થઈ ગયા હતા.

ચીનમાં સર્વિસ આપતી ટેલિકોમ કંપનીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો હતો એ પ્રમાણે છેલ્લાં બે-ત્રણ માસમાં સમગ્ર ચીનમાંથી બે કરોડ જેટલાં મોબાઈલ નંબર ડિએક્ટિવ થઈ ગયા છે. આ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જાહેર થયું નથી, પરંતુ કોરોનાના સંક્રમણ પછી આ મોબાઈલ યુઝર્સના ફોન નિષ્ક્રિય થયા એ યોગાનુયોગ ન હોઈ શકે એવી દલીલ થઈ રહી છે.

છેલ્લાં દોઢ-બે દશકમાં પહેલી વખત એવું થયું છે કે અચાનક મોબાઈલ ધારકોની સંખ્યા ચીનમાં વધવાને બદલે ઘટી ગઈ હોય. સવાલ એવો ઉઠયો છે કે એકાએક લોકોએ ફોન કેમ બંધ કરી લીધા?

જવાબમાં એવો તર્ક અપાઈ રહ્યો છે કે જે મજૂરો શહેરોમાં કામ કરતા હતા એ કોરોનાના ડરથી ગામડાંમાં જતા રહ્યા અને તેમણે શહેરોના નંબર બંધ કરી લીધા. સામે એવી દલીલ થઈ રહી છે કે તો પછી નવા નંબર કેમ રજિસ્ટર ન થયા?

બીજી તરફ ચીનમાં કોરોનાના કારણે લગભગ ૩૩૦૦ લોકોના મોત થયા છે. વુહાન શહેર સૌથી વધુ પ્રભાવિત બન્યું હતું. પરંતુ વુહાનમાં ૫૦૦૦ અસ્થિકળશ વેંચાયા હતા. જો ૩૩૦૦ લોકોનાં મોત થયા હોય તો પછી ૫૦૦૦ અસ્થિકળશ વેંચાઈ જવા પાછળનો તર્ક પણ સમજની બહાર છે.

અચાનક ચીનમાં અસ્થિકળશની ડિમાન્ડ વધી જતા કોરોનાનો વાસ્તવિક આંકડો ચીન છુપાવતું હોવાની શંકા વધુ ઘેરી બની છે. અમેરિકન મીડિયા અહેવાલોમાં દાવો થયો છે કે ચીને જે સત્તાવાર મૃત્યુ આંક જાહેર કર્યો છે એનાથી વાસ્તવિક આંકડો બહુ જ મોટો છે અને મોબાઈલ ધારણો અચાનક ગુમ થયા તે પાછળ ખરું કારણ પણ એ જ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.