પતંગના પેચ લડાવવા બાબતે મહેસાણામાં થઈ માથાકૂટ 5 શખ્સોએ પરિવાર પર કર્યો ઘાતક હુમલો, વૃદ્ધનું મોત, 3 ઈજાગ્રસ્ત

મહેસાણામાં વાસી ઉત્તરાયણ જીવલેણ બની છે. શહેરમાં પંતગનો પંચ લડાવવા મુદ્દે પાંચ શખ્સોએ પરિવાર પર હુમલો કરતા વૃદ્ધનું મોત નીપજ્યું છે અને જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસે પાંચેય શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા શહેરની ઉમાનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઈ વણજારા પોતાના પરિવાર સાથે પતંગ ઉડાડી રહ્યા હતા અને આ દરમિયાન આ જ સોસાયટીમાં રહેતા વનરાવન બાબુજી ઠાકોર સાથે પતંગના પેચ લગાવા મામલે બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન 5 જેટલા શખ્સો લોખંડના પાઈપો, લાકડીઓ લઈને નાગજીભાઈ વણજારાના ઘરે દોડી આવ્યા હતા અને આ શખ્સોએ નાગજીભાઈ તેમજ તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. પાંચ શખ્સે ઘેરીને નાગજીભાઈ વણજારાને ધોકા-લાકડીઓ અને લોખંડની પાઇપો માથાના ભાગે મારતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

તો આ અંગેની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. મૃતકના દીકરા માગીલાલ નાગજીભાઈ વણજારાએ મહેસાણા એ ડિવિઝનમાં પાંચ શખ્સો વનરાવન બાબુજી ઠાકોર, હરેશ કેશવ લાલ રાવળ, ચિરાગ હરેશભાઇ રાવળ, બોબી હરેશભાઇ રાવળ અને સુનીલ રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને હાલ પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.