છેલ્લી ઘડીએ કોંગ્રેસ-NCPએ શિવસેનાને સમર્થન શું કામ ના આપ્યું? આ હોઈ શકે કારણો જાણો વિગતે

મહારાષ્ટ્રમાં શિવસેનાએ હરખભેર NCP-કોંગ્રેસના સહારે NDA સાથે છેડો ફાડીને સરકાર બનાવવા રાજ્યપાલને મળી હતી. પરંતુ છેલ્લી ઘડીએ શિવસેનાને બંને પક્ષોનું સત્તાવાર સમર્થન આવતા રાજભવનથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. જેથી કહી શકાય કે શિવસેનાના મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના આ રાજકીય ડ્રામામાં સવાલ એ થયા છે કે છેલ્લી ઘડીએ કોંગ્રેસ-NCP શિવસેનાને સમર્થન આપવાથી કેમ ફસકી ગયા?

આવામાં શિવસેના માટે હાલમાં પરિસ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ છે. એક બાજુ NCP-કોંગ્રેસના વાયદાને કારણે NDA સાથે 30 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાંખ્યું અને બીજી બાજુ સરકાર બનાવવાનો મોકો પણ હાલ પૂરતો હાથમાંથી જતો રહ્યો. ઉલ્લેખનીય છે કે આજે સાંજે 7.30 વાગ્યા સુધી રાજ્યપાલે શિવસેનાને પોતાનું સંખ્યાબળ સાબિત કરીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના પગલે શિવસેના રાજ્યપાલને મળ્યું તો હતું પરંતુ NCP કે કોંગ્રેસનું સત્તાવાર સમર્થન રાજ્યપાલ સમક્ષ સાબિત કરી શક્યું ન હતું. શિવસેનાએ વધુ સમયની માંગ કરી હતી પરંતુ રાજ્યપાલે ઈન્કાર કર્યો હતો. 

કોંગ્રેસ – NCP રમત રમી રહી છે?

મહત્વનું છે કે ભાજપે સરકાર બનાવવાનો ઈન્કાર કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણની રમત ચરમસીમા પર આજે પહોંચી હતી. સવારથી જ NCP-કોંગ્રેસ દ્વારા શિવસેનાને સમર્થન આપવાની વાત થઈ રહી હતી. NCPએ NDA સાથે છેડો ફાડવાની શરતે સમર્થન આપવાની વાત કરી હતી જેના કારણે કેન્દ્રમાં રહેલા અરવિંદ સાવંતે પણ કેબિનેટમાંથી રાજીનામું ધરી દીધું હતું. આમ સત્તાવાર રીતે NCPના સહારે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી દીધું છે એમ કહી શકાય. શિવસેનાને હતું કે NCP સમર્થન આપશે એટલે કોંગ્રેસ પણ આપશે અથવા NCP કોંગ્રેસને બહારથી સમર્થન માટે મનાવી લેશે. જો કે સાંજ સુધી એવા પણ સમાચાર આવવા લાગ્યા કે કોંગ્રેસ અને NCPએ શિવસેનાને સમર્થન આપી દીધું છે અને શિવસેના સરકાર બનાવવા રાજ્યપાલ પાસે પહોંચી પણ ગઈ. પરંતુ અંતિમ ઘડી સુધી કોંગ્રેસ અને NCPનું સત્તાવાર સમર્થન મળ્યું નહીં. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે કોંગ્રેસને સત્તાવાર પોતાના લેટરહેડ પર લખીને જાહેરાત કરવી પડી કે હજુ સુધી અમે શિવસેનાને કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી.

શા માટે હજુ સુધી કોંગ્રેસ – NCPએ સમર્થન આપ્યું નહીં?

સૂત્રો અનુસાર કોંગ્રેસ-NCP હજુ પણ શિવસેનાને સમર્થન આપવા માટે મક્કમ નથી. તેનું કારણ એ હોઈ શકે કે કોંગ્રેસ-એનસીપી શિવસેનાનો હજુ વિશ્વાસ મેળવી શકી ન હોય. આ ઉપરાંત શિવસેનાનો સ્વભાવ કોંગ્રેસ અને NCP પહેલેથી જાણે છે પરંતુ તેમનું સમર્થન મેળવવાનો ઈરાદો હજુ પણ આ બંને પક્ષોને ગળે ઉતરતો ન હોય. આવામાં કોંગ્રેસ એ ક્યારેય નહીં ઈચ્છે કે ક્યાંક શિવસેનાને સપોર્ટ કરીને જેટલો જનમત મળ્યો છે તેમાં પણ તેમને આગળ જતાં ભોગવવું પડે. કારણ કે એ ચોક્કસ છે કે શિવસેના અને કોંગ્રેસના મતદારોની વિચારસરણી તદ્દન અલગ છે. આવામાં જો બંને પાર્ટી રાજકારણની રમત માટે અને ભાજપને પાડવા માટે એક થાય છે તો મતદારોનો વિશ્વાસ ગુમાવી શકે છે. આવામાં જો ભવિષ્યમાં શિવસેના-કોંગ્રેસ-NCPમાં પણ કઈ ડખો થાય છે તો આગામી ચૂંટણીઓમાં પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. 

કદાચ કોંગ્રેસની ફોર્મ્યુલા પર શિવસેનાને સ્વીકાર ન હોય

સૂત્રોના જણાવ્યા મુજબ આજે કોંગ્રેસે CWCની બેઠક બાદ એવી માંગ કરી હતી કે શિવસેનાના મુખ્યમંત્રી હોય પણ NCP અને કોંગ્રેસના બે નાયબ મુખ્યમંત્રી હોય. આ સાથે કેબિનેટ મંત્રાલયમાં પણ શિવસેના-NCP અને કોંગ્રેસના 14-14 મંત્રી હોવા જોઈએ. જો શિવસેના આ ફૉર્મ્યુલા સ્વીકારવા તૈયાર થાય તો જ કોંગ્રેસ ટેકો આપવા માટે તૈયાર હતી. આવામાં શક્યતા છે કે શિવસેનાને આ ફૉર્મ્યુલા સ્વીકાર ન હોય અને છેલ્લી ઘડીએ કોંગ્રેસે સત્તાવાર સમર્થન જાહેર ન કર્યુ હોય.

શિવસેના માટે હાડકું ગળામાં વચ્ચે અટક્યું

NDA સાથે એક બાજુ છેડો ફાડી દીધો ત્યારે બીજી બાજુ કોંગ્રેસનું સમર્થન તો ન મળ્યું પરંતુ NCPએ પણ સમર્થન બાબતે કોઈ સ્પષ્ટતા ન કરતા શિવસેના માટે ન ઘરના ન ઘાટના જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજી બાજુ કોંગ્રેસની જો મંત્રીઓની ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ સ્વીકારવું શિવસેના માટે અઘરું સાબિત થઈ શકે એમ છે. કારણ કે આટલા મંત્રી પદ અને ડે.સીએમ પદ આપીને શિવસેનાની સરકાર તો બની જાત પરંતુ તેનું કદ અને મહત્વ એટલું ન રહે. પરિણામે શિવસેના જાણે છે કે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ-NCP સાથે સરકાર બનાવવામાં પણ કોઈ વધુ ફાયદાનો સોદો સાબિત નહીં થાય. વળી, શિવસેના માટે પણ આ બંને પક્ષો સાથે સરકાર રચવી એટલે લટકતી તલવાર સમાન જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news