ટેસ્ટિંગમાં સતત ઘટાડો, નવા કેસની સંખ્યા પણ ઘટી

રિકવરી રેટ 24 દિવસમાં 14 ટકા વધ્યો, 44 દિવસે ફરી 90 ટકાને પાર, મરણાંક ઘટીને 50ની નીચે 22 જિલ્લામાં 100થી નીચે કેસ, 13 જિલ્લામાં શૂન્ય મૃત્યુ

ગુજરાતમાં કોરોના સંક્રમણની સેકન્ડ પીકમાં વકરેલી પરિસ્થિતિમાં ટેસ્ટિંગમાં થઇ રહેલા સતત ઘટાડા સાથે નવા કેસની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૩૧૮૭ નવા કેસ નોંધાયા છે એમાં ૬૩ દિવસ પછી અમદાવાદના કુલ કેસ ઘટીને ૫૦૦ની નીચે એટલે કે જિલ્લાના ૧૬ મળી કુલ ૪૭૫ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં ૪૫ દર્દીના કોરોનાથી મૃત્યુની સરકારે જાહેરાત કરી છે એ ૪૪ દિવસ પછી પહેલી વખત ૫૦ની નીચે પહોંચી છે. રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૦ ટકાને પાર થયો છે જે ૧૦ એપ્રિલ પછી પહેલી વખત છે. છેલ્લા ચોવીસ દિવસમાં જ ૧૪ ટકા જેટલી રીકવરી વધી છે. દરમિયાન, ચોવીસ કલાકમાં વધુ ૯૩૦૫ લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. જે સતત ૧૯મા દિવસે ડિસ્ચાર્જનો આંક પોઝિટિવ કેસ કરતાં વધુ રહ્યો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે લોકોના સહયોગથી સરકારે લાગુ કરેલી નિયંત્રણોની હકારાત્મક અસરો હવે સ્પષ્ટ થઇ રહી છે જોકે, સરકારે થોડાક નિયંત્રણો હળવાં કરતાં ફરીથી માર્કેટમાં ભીડ, ટોળાશાહીએ કબ્જો જમાવી દીધો છે આ સ્થિતિ આગળ જતાં ગંભીર પરિણામો પેદા કરી શકે છે એવી ચિંતા આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. કેસમાં સતત થઇ રહેલા ઘટાડાને પગલે હવે વેપારીઓએ દુકાનો, વેપાર ધંધા માટે વધુ સમય આપવા માગણી કરી છે.

અમદાવાદ શહેરમાં નવા ૪૫૯ કેસ અને ૮ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ગ્રામ્યમાં કેસ ઘટીને ૧૬ થયા છે જ્યારે વડોદરામાં નવા ૪૫૫ કેસ નોંધાયા છે એમાં શહેરના ૩૩૭ કેસનો સમાવેશ થાય છે જ્યારે કુલ ૫ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટમાં ૨૮૫ નવા ઉમેરાયા છે એમાં શહેરના ૧૫૨ કેસનો સમાવેશ થાય છે કુલ ૩ મૃત્યુ થયા છે. જામનગરમાં સંક્રમિતોનો આંક ૧૦૦ની નીચે પહોંચી ગયો છે. શહેરમાંથી નવા ૮૭ અને ગ્રામ્યમાંથી ૫૨ મળી કુલ ૧૩૯ કેસ નોંધાયા છે જ્યારે ૩ મૃત્યુ થયા છે. જૂનાગઢમાં ૧૪૦ કેસમાં ગ્રામ્યના ૭૪ કેસનો સમાવેશ થાય છે જ્યારે શહેરમાં એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે. ભાવનગરમાં ૧૦૭ નવા કેસમાં શહેરના ૬૩નો સમાવેશ થયો છે. બે મૃત્યુ પણ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા કેસ ૫૬ નોંધાયા છે એમાં શહેરના ૩૧ છે ગ્રામયના એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે. આ સિવાય મહેસાણામાં ૩, ભરૂચ, પાટણ, વલસાડમાં ૨-૨, આણંદ, સાબરકાંઠા, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ૧-૧ દર્દીના મૃત્ય થયા છે.

રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ એમ ત્રણ જિલ્લમાં ૧૦૦થી ૧૧૦ વચ્ચે નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૦૦થી ૫૦ની વચ્ચે કચ્છ ૮૯, ખેડા અને પોરબંદર ૮૭, ભરૂચ ૮૧, આણંદ ૭૩, મહીસાગર ૫૨ કેસનો સમાવેશ થાય છે આ સિવાય પાટણ, મહેસાણા, નર્મદા, નવસારી, ગીર સોમનાથ, દ્વારકા, અરવલ્લી, દાહોદ, સુરેન્દ્રનગર, તાપી, મોરબીમાં ૫૦થી નીચે, એમાંય બોટાદ, છોટાઉદેપુર અને ડાંગમાં ૧૦થી નીચે કેસ નોંધાયા છે. આમ, કુલ કેસ વધીને ૭,૯૧,૬૫૯ થયાં છે જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા ૭,૧૩,૦૬૫ થઇ છે. મરણાંક ૯૬૨૧ સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસ ૬૮,૯૭૧ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news