કોરોના રિલીફના નામે કરોડો ઉઘરાવીને લીધી મોંઘી કાર અને રહેવા લાગ્યો લક્ઝરી હોટેલ્સમાં

પહેલા યુવકે વિવિધ કંપનીઓના કર્મચારીઓને પગાર આપવાના નામે સરકાર પાસેથી 135 લાખ ડોલર હાંસલ કરવા પ્રયત્ન કરેલો

 

કોરોના વાયરસ મહામારીના કારણે લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને અનેક લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. ત્યારે અમેરિકામાં એક વ્યક્તિએ કથિત રીતે કોરોના રિલીફ પ્રોગ્રામ અંતર્ગત 29.8 કરોડ રૂપિયા મેળવી લીધા હતા અને પછી ઐયાશી કરવા લાગ્યો હતો. આ મામલે શુક્રવારે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મંગળવારે તેને કોર્ટમાં જામીન મળી ગયા હતા.

એક અહેવાલ પ્રમાણે અમેરિકાના ફ્લોરિડામાં રહેતા ડેવિડ હિન્સ પર બેંક ફ્રોડનો આરોપ લાગ્યો છે. તેણે કોરોના રિલીફ પ્રોગ્રામના પૈસામાંથી કરોડો રૂપિયાની લેમ્બોર્ગિની કાર અને અન્ય લક્ઝરી વસ્તુઓ ખરીદી હતી અને લક્ઝરી હોટેલ્સમાં રહેવા લાગ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ લગાવેલા આરોપ પ્રમાણે 29 વર્ષીય યુવકે બેંક સાથે છેતરપિંડી કરી, નાણાંકીય સંસ્થાઓને ખોટા નિવેદન આપ્યા જેથી રિલીફ પ્રોગ્રામ અંતર્ગત પૈસા મળી શકે.

શરૂઆતમાં તે યુવકે વિવિધ કંપનીઓના કર્મચારીઓને પગાર આપવાના નામે સરકાર પાસેથી 135 લાખ ડોલર હાંસલ કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તપાસમાં અનેક કર્મચારીઓ બોગસ હોવાની અને અનેક કર્મચારીનો પગાર દર્શાવવામાં આવ્યો તેના કરતા ઓછો હોવાની ખબર પડી હતી. જો કે બેંકે પહેલા જ તેને 39 લાખ ડોલરની લોનની મંજૂરી આપી દીધી હતી.

સ્પોર્ટ્સ કાર દ્વારા એક એક્સિડન્ટ થવાના કારણે અધિકારીઓએ યુવક વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી. તપાસમાં સરકારના રિલીફ પ્રોગ્રામ અંતર્ગત લોન મળતા યુવકે 2.3 કરોડ રૂપિયાની 2020ના મોડલની લેમ્બોર્ગિની કાર ખરીદી હોવાનું સામે આવ્યું હતું. તે સિવાય યુવકે લાખો રૂપિયા ડેટિંગ વેબસાઈટ, જ્વેલરી, કપડા અને મોંઘી હોટેલ્સમાં રહેવા માટે વાપરી નાખ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news