કોરોનાના સંકટને પહોંચી વળવા 1 લાખ કરોડ ઊભા કરવા ભાગલા પછી પાકિસ્તાન ગયેલા લોકોની સંપત્તિ વેચી નાખવાની ચર્ચા

દેશના ભાગલા ટાણે પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિ વેચીને કોરોનાના સંકટ સામે લડવા માટે એક લાખ કરોડ ઊભા કરી શકાય એવી સલાહ વડા પ્રધાનના આર્થિક સલાહકારી ટુકડીના એેક સભ્યે કરી હતી.

આર્થિક સલાહકાર ટુકડીના પાર્ટટાઇમ સભ્ય નીલેશ શાહે કહ્યું હતું કે ભાગલા ટાણે દેશ છોડીને પાકિસ્તાન ચાલી ગયેલા લોકોની સંપત્તિ વેચીને એક લાખ કરોડ ઊભા કરી શકાય તેમ છે. આ રકમ દ્વારા કોરોના સંકટ સામે લડવા ઉપરાંત અર્થતંત્રને મોટો ટેકો આપી શકાય એમ છે.

વાસ્તવમાં 1965માં ભારત અને પાકિસ્તાન બંને દેશોએ આ પ્રકારની સંપત્તિને શત્રુની સંપત્તિ ગણીને એના નિકાલ માટે કાયદો ઘડ્યો હતો. પાકિસ્તાને તરત એનો અમલ પણ કર્યો હતો અને ભારત આવી ગયેલા તમામ લોકોની સંપત્તિ 1971માં વેચીને રોકડી કરી લીધી હતી. ભારતે હજુ એવું પગલું ભર્યું નથી. એ દ્રષ્ટિએ ભારત પાકિસ્તાન કરતાં પચાસ વરસ પાછળ છે.

એક વેબિનારને સંબોધતાં નીલેશ શાહે કહ્યું હતું કે આપે શત્રુ સંપત્તિ ધારા હેઠળ પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિ વેચીને મૂડી ઊભી કરવી જોઇએ. ભવિષ્યમાં એ મૂડી વિકાસકાર્યો કે કોરોના સંકટ સામે લડવા કામ લાગશે. નીલેશ શાહ કોટક મ્યુચ્યુઅલ ફંડના મેનેજર અને વહીવટી અધિકારી પણ છે. વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના એ પાર્ટ ટાઇમ સભ્ય છે.

તેમણે કહ્યું હતું કે આ રીતે અતિક્રમણ કહેવાય એવી સંપત્તિ વેચી નાખીને ભારત પોતાના કાયદેસરના માલિકી હકને સુદ્રઢ કરી શકે છે. આવી લગભગ 9,4040 પ્રોપર્ટી ભારત સરકારે 1965માં અલગ તારવીને કસ્ટોડિયનને સુપરત કરી હતી.

હાલ નબળા પડી રહેલા અર્થતંત્રને સુદ્રઢ કરવા શું કરી શકાય એવા સવાલના જવાબમાં નીલેશ બોલી રહ્યા હતા. તેમણે લોકો પાસેનું બેહિસાબી સોનું પણ કબજે કરીને એના દ્વારા નાણાં ઊભાં કરવાનું સૂચન કર્યું  હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news