જન ઔષધિ કેન્દ્રમાં વધુ ભાવે દવાનું વેચાણ થાય છે,જાણો અમદાવાદના એક નાગરિકનો આક્ષેપ

લોકોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે અલગ-અલગ શહેરોમાં જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે પરંતુ અમદાવાદ શહેરમાં જન ઔષધિ કેન્દ્રમાં જ જે દવાઓ મળી રહી છે તે બજારમાં મળતી દવાઓ કરતાં મોંઘી હોવાનો દાવો અમદાવાદના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે. આ જાગૃત નાગરિકનો આક્ષેપ છે કે, અમદાવાદના જન ઔષધિ કેન્દ્રમાં સસ્તા ભાવે મળતી દવાઓ પ્રધાનમંત્રીના લોગો વગર એજન્સીના માલિકો વધારે ભાવ લઈને વેચી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં એક-બે નહીં પરંતુ 70 જેટલા જન ઔષધિ કેન્દ્ર આવેલા છે અને આ જન ઔષધિ કેન્દ્ર શહેરના નાગરિકોને અન્ય મેડિકલની તુલનામાં સસ્તા ભાવે દવા મળે તેવા ઉદ્દેશ સાથે ખોલવામાં આવ્યા છે. આ જન ઔષધિ કેન્દ્રમાં લોકોને અન્ય મેડિકલની તુલનામાં દવા સસ્તા ભાવે મળી પણ રહે છે. ત્યારે અમદાવાદના કેશવનગર વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે, જન ઔષધિ કેન્દ્રમાં જ મોંઘી દવા મળી રહી છે. આ જાગૃત નાગરિકનું નામ છે મુકેશ દવે. તેઓ જન ઔષધિ કેન્દ્રમાં છેતરાયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. મુકેશ દવેનું કહેવું છે કે તે જન ઔષધિ કેન્દ્રમાંથી દર મહિને ડાયાબિટીસની 9000 રૂપિયાની દવા ખરીદે છે.

મુકેશ દવેનો આક્ષેપ છે કે, તેમને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા જન ઔષધિ કેન્દ્રમાંથી થાઈરોઈડની દવા ખરીદી હતી અને આ દવા બજારમાં 38 રૂપિયામાં મળતી હોવા છતાં પણ તેની એક સ્ટ્રીપ જન ઔષધિ કેન્દ્રમાંથી 50 રૂપિયામાં આપવામાં આવી હતી અને મુકેશ દવેએ આ બાબતે જન ઔષધિ કેન્દ્ર સંચાલકને ફરિયાદ કરી ત્યારે દુકાનના સંચાલક દ્વારા પણ કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. તેથી તેમને આ બાબતે સમગ્ર મામલે મુકેશ દવેએ રાજ્યના આરોગ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં ફરિયાદ કરી છે.

આ ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, પ્રધાનમંત્રી જન ઔષધિ એજન્સીમાં ફક્ત પ્રધાનમંત્રીના લોગોની સાથે જ દવાનું વેચાણ થઈ શકે છે પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે અમુક એજન્સીના લોગો વગરની દવાઓ વેચી રહ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના વર્ષ 2015થી શરૂ કરવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ જન ઔષધિ કેન્દ્રનું મહત્ત્વ વધ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.