આ કંપનીનાં ભૂતપૂર્વ સીઈઓ કંપનીને ચૂકવ્યાં આટલાં ડોલર…

ફોક્સવેગને બુધવારે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સીઇઓ માર્ટિન વિન્ટરકોર્ન ડીઝલ એન્જિન કૌભાંડમાં તેમની ભૂમિકા બદલ ૧.૧૨ કરોડ યુરો (૧.૩૬ કરોડ ડોલર) ચૂકવવા સંમત થયા છે. કપનીએ તેના ડીઝલ એન્જિનોમાં પ્રદૂષણ વિરોધી નિયમોને ચાતરીને તેના એન્જિનોની ક્ષમતા ઊંચા સ્તરની દર્શાવવાનું કૌભાંડ કર્યુ હતુ. ડીઝલ વાહનોમાં આ પ્રકારના કૌભાંડ બદલ પ્રતિષ્ઠિત કંપનીની ભારે બદનામી થઈ હતી. જર્મન ઓટો કંપનીએ જણાવ્યું હતું કે તેને ડિરેક્ટરો અને ઓફિસરોના પગલાના લીધે થયેલી ખોટમાં જવાબદારીના વીમા પેટે ૨૭ કરોડ યુરો (૩૨.૯ કરોડ ડોલર)ની રકમ મળવાની છે.

કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વિન્ટરકોર્ને સીઇઓ તરીકેની તેની ફરજ નીભાવી ન હતી, કંપનીએ આ સંદર્ભમાં લો ફર્મ દ્વારા તેની વ્યાપક તપાસ કરાવી હતી. યુ.એસ. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ ફોક્સવેગનને એવા સોફ્ટવેરનો ઉપયોગ કરતાં પકડી પાડી હતી જેના દ્વારા તેની કાર પ્રદૂષણ વિરોધી પરીક્ષણમાં પાસ થઈ જતી હતી અને સામાન્ય ડ્રાઇવિંગ વખતેતેમા એર પોલ્યુશન કંટ્રોલ ટર્ન ઓફ કરી દેવાતા હતા.

ઇપીએ દ્વારા ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ નિયમ ભંગની નોટિસ આપવામાં આવ્યા પછી વિન્ટરકોર્ને રાજીનામુ આપી દીધું હતું, પણ તેણે કશું પણ ખોટુ કર્યાનો ઇન્કાર કર્યો હતો. ફોક્સવેગને આ મુદ્દે માફી માંગી હતી અને તેણે દંડ, રિકોલ ખર્ચ અને કાર માલિકોને વળતર આપવા સાથે કુલ ૩૧ અબજ યુરોનું જંગી વળતર ચૂકવ્યું હતું.

યુએસ એન્વાયર્નમેન્ટલ રેગ્યુલેટરોએ મે ૨૦૧૪માં આ પ્રકારના પ્રદૂષણ નિયમોને ચાતરી જવા અંગે સાવધ કર્યા હતા. વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ, એન્જિન્સ એન્ડ એમિશનના અભ્યાસના પગલે આ ચેતવણી આપવામાં આવી હતી. જો કે ફોક્સવેગને તો ત્યાં સુધી ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રદૂષણમાં વધારો થવો તે ટેકનિકલ મુશ્કેલી છે, ગેરકાયદેસરના સોફ્ટવેરના લીધે આવી કોઈ મુશ્કેલી થઈ નથી. ૨૭ જુલાઈ ૨૦૧૫થી થયેલી તપાસ દરમિયાન વિન્ટરકોર્ને અમેરિકામાં ૨૦૦૯થી ૨૦૧૫ દરમિયાન વેચાયેલી ૨.૦ લિટર ડીઝલ એન્જિન કારમાં સોફ્ટવેરના ગેરકાયદેસરના ઉપયોગપાછળના સંજોગો અંગે સર્વગ્રાહી અને તાકીદની સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ ગયા હતા. કંપનીએ જણાવ્યું હતું કે વિન્ટરકોર્ન તે સુનિશ્ચિત કરવામાં પણ નિષ્ફળ ગયા હતા કે કંપની અમેરિકન રેગ્યુલેટરોને સત્ય, સંપૂર્ણ વિગત સાથે અને વિના વિલંબે પૂરુ પાડે.

તેના પછી ફોક્સવેગનના અન્ય ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ સાથે સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ સેટલમેન્ટ્સ હેઠળ ઔડી લક્ઝરી કાર ડિવિઝનના ભૂતપૂર્વ વડા રુપર્ટ સ્ટેડલર ૪૧ લાખ યુરો, ઔડી એક્ઝિક્યુટિવના ભૂતપૂર્વ વડા સ્ટીફન નિર્શ દસ લાખ યુરો અને પોર્શના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ વોલ્ફગેંગ હેટ્ઝ ૧૫ લાખ યુરો ચૂકવશે. પોર્શ ફોક્સવેગન જૂથનો હિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news