અનિલ અંબાણીને સ્વિસ બેંક એકાઉન્ટ માટે IT વિભાગની નોટિસ, વિભાગે કાર્યવાહીની માગ કરી..

આવકવેરા વિભાગે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની સામે બ્લેક મની એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના પર બે સ્વિસ બેંક ખાતામાં જમા કરાયેલી 814 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત રકમ પર 420 કરોડ રૂપિયાની જાણીજોઈને કરેલી કરચોરીનો આરોપ છે. વિભાગનું કહેવું છે કે તેણે જાણીજોઈને તેના વિદેશી બેંક ખાતાઓની વિગતો ટેક્સ અધિકારીઓને જાહેર કરી ન હતી. તેમને મહિનાની શરૂઆતમાં આ સંબંધમાં કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી અને જેના પર તેમનો જવાબ 31 ઓગસ્ટ સુધીમાં માંગવામાં આવ્યો છે. અનિલ અંબાણીની ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આવકવેરા વિભાગનું કહેવું છે કે બ્લેક મની (અનડિસક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) ટેક્સેશન એક્ટ, 2015ની કલમ 50 અને 51 હેઠળ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે અને જેમાં દંડ સાથે વધુમાં વધુ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને અનિલ અંબાણી પર આકારણી વર્ષ 2012-13 થી 2019-20 વચ્ચે વિદેશમાં અઘોષિત સંપત્તિઓ રાખીને કરચોરીનો આરોપ છે. સૂત્રો કે પાસ ઉપલબ્ધ નોટિસની નકલ અનુસાર, ટેક્સ અધિકારીઓએ જાણ્યું કે, અનિલ અંબાણી બહામાસ સ્થિત કંપની ડાયમંડ ટ્રસ્ટ અને બ્રિટિશ વર્જિન ટાપુઓ (BVI)માં રચાયેલી અન્ય કંપની નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડ (NATU)માં રોકાણકર્તા અને માંલિક છે

બહામાસ ટ્રસ્ટ કેસમાં, વિભાગને જાણવા મળ્યું કે, તેની પાસે ડ્રીમવર્ક્સ હોલ્ડિંગ ઇન્ક નામની કંપની છે. આ કંપનીનું 31 ડિસેમ્બર, 2007 સુધીમાં સ્વિસ બેંકમાં 3.2 કરોડ ડૉલરથી વધુની થાપણો સાથે ખાતું હતું અને નોટિસ અનુસાર, ટ્રસ્ટને શરૂઆતમાં લગભગ 2.5 કરોડ ડૉલર મળ્યા હતા. વિભાગનો આરોપ છે કે, આ નાણાંનો સ્ત્રોત અનિલ અંબાણીનું અંગત ખાતું હતું.

અનિલ અંબાણીએ 2006માં આ ટ્રસ્ટ ખોલવા માટે KYC દસ્તાવેજમાં પોતાનો પાસપોર્ટ આપ્યો હતો. આ ટ્રસ્ટના લાભાર્થીઓમાં તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. બ્રિટિશ વર્જિન ટાપુઓમાં જુલાઈ 2010માં રચાયેલી કંપનીનું ઝુરિચમાં બેંક ઑફ સાયપ્રસમાં ખાતું છે અન IT વિભાગે દાવો કર્યો હતો કે અનિલ અંબાણી આ કંપની અને તેના પૈસાના સંપૂર્ણ લાભકારી માલિક છે.

આરોપ છે કે, આ કંપનીને બહામાસમાં રજિસ્ટર્ડ PUSA નામની કંપની પાસેથી 2012માં 10 કરોડ ડોલર મળ્યા હતા. વિભાગ અનુસાર, આ કંપનીના માલિક પણ અનિલ અંબાણી છે. વિભાગે નોટિસમાં જણાવ્યું હતું કે, ‘ઉપલબ્ધ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે તમે વિદેશી ટ્રસ્ટ ડાયમંડ ટ્રસ્ટ અને ડ્રીમવર્ક્સ હોલ્ડિંગ ઇન્ક. અને NATU અને PUSAના માલિક છો.’ તો આ કંપનીઓના પૈસા અને સંપત્તિ તમારી છે. આવકવેરા વિભાગે આરોપ લગાવ્યો છે કે, અનિલ અંબાણીએ તેમના આવકવેરા રિટર્નમાં આ વિદેશી સંપત્તિનો ઉલ્લેખ કર્યો નથી અને તેથી તેમણે બ્લેક મની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.