જવાનજોધ યુવાન યોગા કરતા કરતા અચાનક ઢળી પડયો..

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિલામાં ઘણા લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે અને ત્યારે સુરતમાં આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુરત શહેરમાં ક્રિકેટ બાદ હવે યોગ કરતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે અને હાલ યુવકના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે અને આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામાં 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરા પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા.

જેથી મુકેશભાઈને તાત્કાલિક નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે યુવકના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

આપને જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ યુવકનું અચાનક હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોય આ પહેલા પણ ઘણા યુવકોના ક્રિકેટ અને ફૂટબોલ રમતી વખતે મૃત્યુ થઈ ચૂક્યા છે. બે અઠવાડિયા પહેલા સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને તે થોડા દિવસ પહેલા જ કેનેડાથી સુરત આવ્યો હતો અને રવિવારે સવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી અને જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવારજનોની રોકકડથી હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પ્રશાંતનું અચાનક મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો જેમાં ડોક્ટરોએ યુવકના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.