જ્યાં પરમાત્મા પગપાળા ચાલે, ત્યાં જીવાત્મા રથમાં કઈ રીતે બેસી શકે ?

– આકાશની ઓળખ – કુમારપાળ દેસાઈ

– ભરતે કહ્યું,’ આ સેવાધર્મ એ તો યોગીઓને પણ દુર્લભ છે. એ અતિ ગહન છે. એનું આચરણ તમારી અગ્નિપરીક્ષા સમાન હોય છે. આવો સ્વામી અને સેવકનો સંબંધ છે અમારો શ્રીરામ સાથે’

 

ચિ ત્રકૂટમાં વસતા વનવાસી શ્રીરામ, સીતા અને લક્ષ્મણને પુનઃ અયોધ્યા નગરીમાં લાવીને રાજસિંહાસન પર બિરાજમાન કરવા માટે અયોધ્યાથી નીકળેલા રાજપુત્ર ભરત ગુરુ વશિષ્ઠ અને એમની સેના સાથે શૃંગવેરપુરમાં આવે છે અને શૃંગવેરપુરનો નિષાધરાજ ગુહ વનવાસમાં ચિત્રકુટ ભણી જતાં શ્રીરામે ગંગાકિનારે કરેલા વિશ્રામની વાત કરે છે. જ્યાં જ્યાં રામ રહ્યા હતા, તે પ્રત્યેક સ્થળે વૈરાગી અને સમર્પણશીલ ભરત રામવિરહની તીવ્ર અનુભૂતિ કરે છે.

ગંગાના તટ પર રાત્રી વ્યતીત કર્યા બાદ પ્રભાતે તેઓ ગંગાપાર કરવાનો વિચાર કરે છે. નિષાધરાજ ગુહ આ માર્ગના ભોમિયા હોવાથી એમને કહે છે કે અમે અહીં રાત્રી પસાર કરી છે, હવે અમારે પતિતપાવની ગંગાને પાર કરવી છે, તો તમારા સેવકોને કહો કે અમને નૌકામાં બેસાડીને ગંગાપાર કરાવે.

શૃંગવેરપુરના રાજવીએ નગરમાં જઈને નગરજનોને કહ્યું કે ગંગામાં રહેલી આપણી સઘળી નૌકાઓને કિનારા પર લાવીને તૈયાર રાખો. આજે આપણે મહાત્મા ભરતની સેનાને ગંગાની સામે પાર લઈ જઇશું.

ગુહરાજ વિચાર કરે છે ક્યાં કૈકેયી અને ક્યાં આ ભરત ! કૈકેયીએ રામ પાસેથી અયોધ્યાનું સિંહાસન આંચકી લીધું અને ભરત સ્વયં સામે પગલે ચાલીને ચિત્રકૂટ જઇને રામને એ રાજસિંહાસન પાછું આપવા ઉત્સુક છે. કેવી માતા અને કેવો પુત્ર ! માતાના સંસ્કાર પુત્રમાં પ્રગટ થાય, પરંતુ અહીં તો કૈકેયી અને ભરતના સંસ્કારો અને વિચારો વચ્ચે આભ-પાતાળનું અંતર લાગે છે. એક બાજુ રાગ અને સ્વાર્થ છે, તો બીજી બાજુ વિરાગ અને પરમાર્થ છે. એક રામને અયોધ્યામાંથી જાકારો અપાવે છે. તો બીજો અંતરથી રામસમર્પિત છે અને શ્રીરામ અયોધ્યા પુનઃપધારે તે માટે અતિ ઉત્સુક છે.ળ

ગંગાના ઘાટ પાસે તેઓ આવે છે અને ઘાટને બતાવીને નિષાધરાજ કહે છે,’ મહાત્મા ભરત, આ ઘાટમાં સ્વયં શ્રી રામે સ્નાન કર્યું હતું અને તેથી આ ઘાટનું નામ અમે ‘રામઘાટ’ રાખ્યું છે. આ ઘાટ પર આવીએ એટલે અમને અહીં સર્વત્ર રામ-સીતાના દર્શન થાય છે. અને એ રીતે અહર્નિશ રામસ્મરણ ચાલે છે.’

સહુ ગંગાકિનારે આવ્યા. ભરત પતિતપાવની ગંગા પાસે જઈને વંદન કરીને માતા ગંગાના આશિષ માગે છે કે,

જોરિ પાનિ બર માગઉં એહૂ,

સીય રામ પદ સહજ સનેહૂ ।

‘ હે માતા, મને સીતા-રામનાં ચરણમાં સહજ પ્રેમ આપજો. એવા આશીર્વાદ માગું છું.’

ગુહરાજાની આજ્ઞાા થતા જ શૃંગવેરપુરના નાવિકો ગંગાતટે આવ્યા અને ગંગાના જળમાં ચારે બાજુ ઘૂમી રહેલી પાંચસો જેટલી નૌકાઓને કિનારે લઈ આવ્યા. પતાકાઓથી શોભતી અને મનોહર ચિત્રોથી રમણીય કુશળ નાવિકોવાળી નૌકામાં એમણે રાજકુટુંબને બેસાડયું. સ્વયં ગુહરાજા પોતે ‘સ્વસ્તિક’ નામની નૌકા લઈ આવ્યા. એને માટે આ અહોભાગ્યની ઘડી હતી. એ નૌકામાં ભરત, શત્રુઘ્ન, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી બિરાજમાન થયા. આગળની નૌકામાં રાજપુરોહિત વશિષ્ઠ અને બ્રાહ્મણ પુરોહિતો બિરાજમાન થયા. અન્ય કેટલીક નૌકાઓમાં જુદો જુદો સામાન એકત્રિત કરવામાં આવ્યો, પછી ગંગાના અગાધ જળમાં આ નૌકાઓ આગળ વધવા લાગી. ગંગાના સામે કિનારે પહોંચ્યા. જ્યાં પાણીનું વહેણ ઓછું હતું, ત્યાંથી નૌકા દ્વારા અયોધ્યાવાસીઓએ પોતાના વાહન, પશુઓ અને રથ પસાર કર્યા.

ગંગાના જલપ્રવાહમાંથી પસાર થતી વખતે પણ ભરતના મનઃચક્ષુ પર શ્રીરામ જ દૃષ્ટિગોચર થતા હતા. ક્યારેક એનું મન કલ્પના કરી ઊઠતું કે મારા જટાયુક્ત, વલ્કલધારી જ્યેષ્ઠબંધુ અહીંથી પસાર થયા હશે, ત્યારે ગંગા માતાએ શ્રીરામ પાસેથી કેટલા બધા આશીષ મેળવ્યા હશે ! એ પછી ગંગાકિનારે પહોંચ્યા બાદ પ્રયાગ તરફ પ્રયાણ કરવાનું હતું. ભરત મનોમન વિચારતા હતા કે જ્યારે રામ પણ આવી રીતે ગંગાપાર ઉતરીને આ વનમાર્ગે ચાલીને ગયા હશે, તો આજે પોતે રથમાં બેસીને જાય તે કેવું ? અયોધ્યાથી નીકળ્યા ત્યારે ભરતે પગપાળા ચાલવાની પ્રતિજ્ઞાા જાહેર કરી હતી, પરંતુ માતા કૌશલ્યાના આગ્રહથી પ્રતિજ્ઞાાનું પાલન થઈ શક્યું નહીં. વ્રત જ્યારે પ્રગટ રીતે કહેવામાં આવે છે, ત્યારે એનો પ્રભાવ ઓસરી જાય છે. તપ ,વ્રત કે જપ અપ્રસિધ્ધ જ હોય. એ પ્રસિધ્ધથાય એટલું એનું પોત ઝાંખું પડે.

આવી પૂર્વ ઘટનાથી સાવધ બની ગયેલા ભરત ગંગાકિનારે ઊતરીને તત્કાળ ગુરુ વશિષ્ઠની પાસે આવ્યા અને વંદનપૂર્વક વિનંતી કરતા કહ્યું, ‘ગુરુદેવ, મારી યાચનાનો સ્વીકાર કરશો. જ્યાં મારા રામ પગપાળા ચાલીને ગયા હોય, ત્યાં હું કઈ રીતે રથમાં બિરાજમાન થઈને જઈ શકું ? આનાથી મારા હૈયામાં શૂળ ભોંકાય છે. ક્ષણેક્ષણ તીવ્ર વેદના અનુભવું છું. માટે હવે વિનંતી છે કે આપ મને પુનઃરથ આરૂઢ થવાનો આદેશ ન આપશો. આપ સહુને રથમાં બેસાડીને આગળ લઈ જાઓ અને હું પગપાળા પાછળ ચાલતો ચાલતો આવીશ.’

ગુરુ વશિષ્ઠ ભરતના રામપ્રેમને જાણતા હતા. એમને એની વાત યોગ્ય લાગી. ભરતે કહ્યું, ‘ જ્યાં પરમાત્મા પગપાળા ગયા હોય, ત્યાં જીવાત્મા કઈ રીતે રથમાં બેસીને જઈ શકે ? ઘોર જંગલમાં પથ્થરો અને કંટકોથી ભરેલા ઉબડખાબડ રસ્તા પર માલિક પગપાળા ચાલે અને એનો અદનો સેવક રથમાં બેસીને જાય તે કેવું ?’

ગુરુ વશિષ્ઠ ભરતના અનન્ય રામપ્રેમને જાણતા હતા. એમણે વિચાર્યું કે હવે જો તેઓ આગ્રહ રાખશો. તો આમે ય રામવિરહને કારણે પારાવાર વ્યથા વિપાલ કરતા ભરત અતિશય વ્યથિત થઈ જશે, આથી ગુરુ વશિષ્ઠ પહેલાં સહુ કોઈને વાહનમાં બેસવાનો આદેશ આપે છે. એ સઘળાં વાહનો આગળ ગયા પછી ભરત, શત્રુધ્ન અને ગુહરાજા પ્રયાગરાજ પ્રતિ પગપાળા પ્રયાણ કરે છે.

રામવિરહી ભરત એક એક ડગલું ચાલે છે અને મુખેથી’ સીતારામ’ ‘સીતારામ’ બોલતા જાય છે. એમની આંખમાંથી વારંવાર આંસુ ધેેસી આવતા હતા. એમની આજુબાજુ ચાલતા સેવકો રથના શણગારેલા અશ્વોને દોરીને આગળ ચાલતા હતા. આવે સમયે એક રાજસેવકે ભરતને કહ્યું,’ સ્વામી, આ ઘનઘોર વનમાં આવા વિક્ટ અને દુર્ગમ માર્ગ ઉપર આપ શાને માટે પગપાળા ચાલો છો ? એના કરતાં આ જાતવાન અશ્વ પર સવારી કરો ને ?’

સેવકના આ શબ્દો કાને પડતાં ભરતનો અવાજ ગાજી ઊઠયો,’ અરે ! શું વાત કરે છે ? જ્યાં મારા રામ ખુદ પગપાળા ચાલીને ગયા હોય, ત્યાં એ માર્ગે હું કઈ રીતે અશ્વારૂઢ થઈને જઇ શકું ? હું તો પગપાળા જ રામ પાસે જઈશ. કોઈ હાથી-ઘોડા કે રથની સવારી મને શોભે નહીં, કારણકે મારે મારા ઘોર પાપનું એમની સમક્ષ પ્રાયશ્ચિત કરવાનું છે.’

એમાં વળી એક અશ્વપાલકથી બોલાઈ ગયું. ‘પ્રાયશ્ચિત્ત કરવાનું હોય, તેમાં વળી પગપાળા જવાની જરૂર શી ? પ્રાયશ્ચિત્ત તો રસ્તામાં નહીં, પણ શ્રીરામની સન્મુખ કરવાનું છે ને ?’

ઘનઘોર અરણ્યમાં ભરતના ચહેરા પર તંગ રેખાઓ ખેંચાઈ ગઈ. એની આંખો અશ્વપાલક પર નોંધીએ એણે કહ્યું,’ હું અશ્વ કે રથમાં બેસીને રામ પાસે જઈ શકું નહીં, કારણકે રામ સાથે મારો માત્ર જ્યેષ્ઠબંધુ અને લઘુબંધુનો જ સંબંધ નથી. અમારો સંબંધ તો સ્વામી અને સેવકનો છે અને જ્યારે એક સામાન્ય સેવક પોતાના સમર્થ અને પરમ પ્રિય સ્વામીને મળવા જાય, ત્યારે એણે સેવાધર્મનું યથાયોગ્ય પાલન કરવું પડે.’

શત્રુઘ્નએ જિજ્ઞાાસાથી પૂછયું,’બંધુ, આ સેવાધર્મ એટલે શું ?’

ત્યારે વૈરાગી ભરતે કહ્યું,’ આ સેવાધર્મ એ તો યોગીઓને પણ દુર્લભ છે. એ અતિ ગહન છે. એનું આચરણ તમારી અગ્નિપરીક્ષા સમાન હોય છે. આવો સ્વામી અને સેવકનો સંબંધ છે અમારો શ્રીરામ સાથે’

પગપાળા પ્રવાસ કરતી વખતે ભરતનું મનોમંથન હજુ શમ્યું નથી. એમના મુખેથી વારંવાર ‘સીયારામ’નામનો આર્તસ્વર નીકળે છે, પણ સાથોસાથ એમના ચિત્તમાં બે સંશયો ઘેરી રહ્યા. આ સંશયો વૈરાગી પ્રેમીના ચિત્તમાં સંક્ષોભ જગાવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news