લૉકડાઉન હોવા છતાં ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ : યુએન

યુએનની હવામાન સંસ્થાએ વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ બુલેટિન આપ્યું

ઉદ્યોગો બંધ રહેવાના કારણે કાર્બન ઉત્સર્જન ઘટયું, પરંતુ ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉસ ગેસની સપાટીમાં ફરક પડયો નહીં

યુએનની હવામાન સંસ્થા ડબલ્યુએમઓના વડાએ પર્યાવરણને લગતો ચિંતાજનક અહેવાલ આપ્યો હતો. યુએનના અહેવાલ પ્રમાણે કોરોનાનાકારણે લોકડાઉન લાગુ થયું હતું, તેના કારણે પ્રદૂષણ ઘટયું હતું. તેમ છતાં ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ યથાવત રહ્યું હતું.
સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લૉકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે, પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લૉકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી.

કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ નોંધપાત્ર તફાવત જણાયો નથી. ૨૦૧૯માં લોકડાઉન પહેલાં જે સ્થિતિ હતી, એ લોકડાઉનના આટલા મહિના પછી પણ ૨૦૨૦માં એ જ સ્થિતિ યથાવત છે.
તાપમાનને વધારનાર, સમુદ્રની સપાટી ઊંચી લાવનાર, બરફ પીગળાવનાર ગ્રીનહાઉસ ગેસનું સ્તર ભયજનક  હતું અને કોરોનાકાળમાં લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું પછી ય ભયજનક સપાટીએ જ છે, એવું યુએનની હવામાન એજન્સીના ગ્રીનહાઉસ બુલેટિનમાં કહેવાયું હતું. રીપોર્ટ પ્રમાણે લોકડાઉન દરમિયાન કાર્બન ઉત્સર્જનમાં ૧૭ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ તેની સીધી અસર ગ્રીનહાઉસ ગેસની સપાટીમાં પડી નથી. વાર્ષિક ઘટાડો ૪.૨થી ૭.૫ રહેશે.
અહેવાલ પ્રમાણે ગ્રીનહાઉસ ગેસનું સ્તર ૨૦૧૪માં ૪૦૦ પીપીએમ હતું, ૨૦૧૮માં ૪૦૭, ૨૦૧૯માં ૪૧૦ હતું. ૨૦૨૦માં પણ એ સ્તરમાં કોઈ ફરક પડે એવી શક્યતા નથી. ૧૯૯૦ પછી છેલ્લાં ૩૦ વર્ષમાં રેડિએટિવ ફોર્સિંગમાં ૪૫ ટકાનો વધારો થયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news