લ્યો બોલો, જૂનાગઢમાં ફિલ્મ સ્ટાર, ક્રિકેટરોના નામથી કોરોના વેક્સિન સર્ટિફિકેટ, જાણો શું છે કૌભાંડ…

જુનાગઢ જિલ્લામાં ભેંસાણ અને વિસાવદર તાલુકામાં આ કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે.

News Detail

જુનાગઢની અંદર ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરોના નામથી કોરોના વેક્સિન લીધી હોવાના સર્ટિફિટે સામે આવ્યા છે. જયા બચ્ચન, જૂહી ચાવલા, મહિમા ચૌધરી તેમજ મહોમ્મદ કૈફ સહીતના પૂર્વ ક્રિકેટરના નામે પણ સર્ટિફિકેટ બન્યા છે. જુનાગઢ જિલ્લામાં ભેંસાણ અને વિસાવદર તાલુકામાં આ કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે. તેઓ ક્યારેય જુનાગઢમાં વેક્સિન લેવા માટે આવ્યા નથી છતાં આ પ્રકારે તેમના નામે સર્ટિફિકેટ બનતા મોટું કૌભાંડ સામે આવી શકે છે. જેની પાછળનું મોટું કારણ પણ આંકવામાં આવી રહ્યું છે. જો કે, આ મામલે તંત્ર તરફથી અત્યારે તપાસ પણ ચલાવવામાં આવી રહી છે.

100 ટકા રસીકરણ શું આ રીતે પૂર્ણ કરાયું 
રસીકરણનો 100 ટકા ટાર્ગેટ આ રીતે પૂર્ણ કરવા માટે આ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા છે. કોઈના નામ ના મળ્યા તો ફિલ્મ સ્ટારોના નામ ચિપકાવી દીધા. આ પ્રકારની રસીકરણ માટેની ઘોર બેદરકારી ટાર્ગેટ પૂર્ણ કરવાની લ્હાયમાં જ થઈ હોવાની આશંકાએ 100 ટકા રસીકરણ પર પણ અનેક સવાલો ઉભા કર્યા છે. આ તો ફિલ્મ સ્ટારોના નામ સામે આવ્યા છે આ સિવાય પણ અન્ય કેટલાકના નામો રસીકરણમાં ચડાવીને બોગસ રીતે 100 ટકા રસીકરણ પૂર્ણ થયાનું લેબલ મેળવી લેવામાં આવ્યું છે.

વિસાવદર અને ભેંસાણમાં કૌભાંડની આશંકા 
પ્રાથમિક કેન્દ્રોમાં બૉલિવૂડના અભિનેતાઓના ભળતા નામો, ઉંમર, પ્રથમ ડોઝ, તારીખ વગેરે સર્ટિફિકેટ ઈશ્યું થયાની વિગતો પણ સામે આવી છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે લોકોને રસી આપવાની વાત વચ્ચે આ પ્રકારે અભિનેત્રીઓના નામ સાથેના સર્ટિફિકેટ બનાવી દેવામાં આવ્યા છે. અત્યારે વિગતો અનુસાર વિસાવદર અને ભેંસાણમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં અન્ય જગ્યાએ શું આવું બન્યું હોઈ શકે છે? 100 ટકા રસીકરણ બતાવવા મામલે આ વિગતો સામે આવતા ખળભળાટી મચી ગઈ છે.

કેન્દ્ર સરકારના પ્રયાસો પર પાણી 
એક તરફ કેન્દ્ર સરકારના પ્રયાસો લોકોને સંપૂર્ણ રસીકરણ કરી કોરોના સામે રક્ષણ આપવાના છે ત્યારે બીજી તરફ આ પ્રકારે રસીકરણના બન્ને ડોઝના બેચ સરખા હોવાની અને વેક્સિન સર્ટીમાં તારીખ સરખી હોવાની વિગતો સામે આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.