સુરતના કામરેજમાં મામાના ઘરે રોકાવા આવેલી ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચર્યું

રાજ્યમાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે પરંતુ આ મહિલા સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, અવાર નવાર પરિણીતા પર ત્રાસ ગુજારવાના કિસ્સાઓ અથવા તો છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં મામા એ જ ભાણેજ પર નજર ખરાબ કરીને દુષ્કર્મ આચર્યુ હતું. વેકેશન હોવાના કારણે ભોગ બનનાર યુવતી તેના ભાઈ સાથે મામાના ઘરે ગઈ હતી. જોકે સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ મામાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતા રિપોર્ટ અનુસાર સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતી વેકેશન હોવાના કારણે કામરેજના ખોલવડમાં રહેતા તેના મામાને ત્યાં તેના ભાઈ સાથે રોકાવા માટે ગઈ હતી.અને મામાના ઘરે યુવતી રાત્રિના સમયે પોતાના રૂમમાં સૂતી હતી તે સમયે યુવતીના મામા હિતેશ ત્રાડાની નજર ભાણેજ પર ખરાબ થઈ હતી અને તેને બળજબરીથી સગી ભાણેજ પર જ દુષ્કર્મ આચર્યુ હતું.

યુવતી સમગ્ર મામલે કામરેજ પોલીસને ફોન કરીને આ બાબતે માહિતી આપી હતી. તેથી પોલીસ કાફલો ગણતરીના સમયમાં જ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે યુવતીની ફરિયાદ લઈને હવસખોર મામા હિતેશની ધરપકડ કરી હતી. જોકે આ સમગ્ર મામલે પોલીસે હિતેશ સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.અને પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે હિતેશ મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા પીઠડીયા ગામનો રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે સુરત કોર્ટ દ્વારા માતા-પુત્રી દુષ્કર્મ કેસના એક તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારી હતી અને અગાઉ બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા ફટકારી હતી. સુરત કોર્ટ દ્વારા દાખલારૂપ સજાઓ દુષ્કર્મના કેસમાં ફટકારવામાં આવી હોવા છતાં નરાધમો સુધરવાનું નામ લઇ રહ્યા ન હોય તેવું લાગી રહ્યું છે અને માતા-પુત્રી દુષ્કર્મ કેસમાં તાંત્રિકે પરિણીતાના પતિને ખેંચની બીમારી સારી થઈ જશે તેવું કહીને પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ પરિણીતાની 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ મામલે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાંત્રિકની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી તાંત્રિકને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.