લાંબા વિરામ બાદ ભાવનગર અને વલ્લભીપુરમાં મેઘરાજાનું પુનરાગમન સાંજના સમયે શહેરમાં 46 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

લાંબા વિરામ બાદ ભાવનગર અને વલ્લભીપુરમાં મેઘરાજાનું પુનરાગમન સાંજના સમયે શહેરમાં 46 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો * શહેરમાં બપોરે તાપમાનમાં 36.7 ડિગ્રી રહ્યા બાદ સાંજના સમયે તોફાની પવન સાથે હળવા ઝાપટા વરસી ગયા ભાવનગર શહેર અને જિલ્લામાં આજથી મેઘરાજાનું પુનરાગમન થયું છે અને ભાવનગર શહેર અને વલ્લભીપુરમાં તોફાની પવન સાથે હળવા ઝાપટા વરસી ગયા હતા. આ પૂર્વે શહેરમાં બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો 36.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ભાદરવાની અસલ પરચો આપતી ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે ગરમીનો પારો 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 36.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થયો હતો. જેથી બફારો વધ્યો હતો. લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 26.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં બપોર બાદ 4.30 કલાક આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 46 કિલોમીટરની ઝડપે તોફાની પવનની સાથે શહેરમાં હળવા વરસાદી ઝાપટા વરસવાનો આરંભ થયો હતો. જો કે પવને બાજી બગાડી હોય તેમ માત્ર થોડો સમય ઝરમર ઝાપટા રૂપે વરસાદ વરસ્યા બાદ વરસાદ શમી ગયો હતો. શહેરમાં 6 મી.મી. વરસાદ નોંધાતા આ સિઝનનો કુલ વરસાદ 469 મી.મી. થયો છે. જે સિઝનના કુલ વરસાદ 739 મી.મી.ના 63.46 ટકા થાય છે. ભાવનગર શહેરમાં સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ 89 ટકા થઇ ગયું હોય હજી વધુ વરસાદ વરસાવાની આશા છે. ભાવનગર શહેર ઉપરાંત આજે વલ્લભીપુરમાં પણ મેઘસવારી આવી પહોંચી હતી અને સાંજ સુધીમાં હળવા ઝાપટા રૂપે 7 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જેથી સિઝનનો કુલ વરસાદ 520 મી.મી. થયો છે. જે કુલ વાર્ષિક વરસાદ 625 મી.મી.ના 83.20 ટકા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.