મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને લાંબી બીમારી બાદ લખનૌ ખાતે લીધા અંતિમ શ્વાસ

લાલજી ટંડનની સ્થિતિ વધુ ગંભીર હોવાથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો કાર્યભાર સોંપાયેલો

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું લાંબી બીમારી બાદ આજે સવારે લખનૌ ખાતે અવસાન થયું છે. છેલ્લા ઘણા સમયથી લખનૌ ખાતે લાલજી ટંડનની સારવાર ચાલી રહી હતી અને 85 વર્ષીય લાલજી ટંડને આજે અંતિમ શ્વાસ લીધા હતા. લાલજી ટંડનના દીકરા અને યુપી સરકારમાં મંત્રી આશુતોષ ટંડને આજે તેમના મૃત્યુની પૃષ્ટિ કરી હતી અને ટ્વિટમાં બાપુજી નથી રહ્યા તેમ લખ્યું હતું.

મોડી રાતે લાલજી ટંડનની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને ગંભીર હાલતમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. લખનૌ ખાતે આવેલી મેદાંતા હોસ્પિટલના ડિરેક્ટર ડો. રાકેશ કપૂરે આ અંગે જાણકારી આપી હતી. ડો. કપૂરના કહેવા પ્રમાણે લાલજી ટંડનની સ્થિતિ ખૂબ ખરાબ હતી અને તેમને ફુલ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા જ્યાં સવારે 5:35 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

11 જૂને હોસ્પિટલમાં દાખલ થયેલા

મધ્ય પ્રદેશના ગવર્નરને 11 જૂનના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને પેશાબમાં સમસ્યા વગેરે કારણોસર લખનૌ ખાતે આવેલી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિવસેને દિવસે લાલજી ટંડનની સ્થિતિ વધુ જટિલ બની રહી હતી જેથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

કિડની અને લિવર ફંક્શનમાં સમસ્યા

ગત 13 જૂનના રોજ લાલજી ટંડનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વચ્ચે બે દિવસ તેમને બાઈ-પૈપ મશીન પર રાખવામાં આવ્યા હતા. ડો. કપૂરના કહેવા પ્રમાણે લાલજી ટંડનના કિડની ફંક્શનમાં સમસ્યા હતી જેથી ડાયાલિસીસ કરવું પડતું હતું અને બાદમાં લિવર ફંક્શનમાં મુશ્કેલી શરૂ થઈ હતી.

અટલજીની નજીક હતા લાલજી ટંડન

12 એપ્રિલ, 1935ના રોજ લખનૌના ચૌક ગામમાં જન્મેલા લાલજી ટંડનની ગણતરી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નજીકના વ્યક્તિ તરીકે થતી હતી. તેઓ અનેક વખત વિધાનસભા અને વિધાન પરિષદના સદસ્ય રહી ચુક્યા હતા. લાલજી ટંડન બીએસપી-બીજેપી ગઠબંધન અને કલ્યાણ સિંહ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે.

2009માં લખનૌ

લોકસભા બેઠકથી વિજય

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની તબિયત ખરાબ હોવાના કારણે 2009માં લાલજી ટંડનને લખનૌ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર રીતા બહુગુણા જોશીને આશરે 40,000 મતથી હરાવ્યા હતા. 23 ઓગષ્ટ, 2018ના રોજ લાલજી ટંડન બિહારના રાજ્યપાલ બન્યા હતા. ત્યાર બાદ 29 જુલાઈ, 2019ના રોજ તેમને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.