પડોશીઓની સરહદોને સન્માન આપવાનું શીખો : મોદીનો પાક-ચીનને સ્પષ્ટ સંદેશ

– શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ઓનલાઈન બેઠક

– એસસીઓના સભ્ય દેશો સંવાદ દ્વારા વિવાદ ઉકેલે : જિનપિંગ

કાશ્મીરમાં ભારતે લીધેલાં પગલાં સામે ઈમરાન ખાનનો વિરોધ

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની ઓનલાઈન બેઠક આજે શરૂ થઈ હતી. આ સંગઠનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન સહિત આઠ દેશો છે. એ બેઠકને ઓનલાઈન સંબોધતા મોદીએ ચીન અને પાકિસ્તાનને સખણા રહેવા સલાહ આપી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે અન્ય દેશોની સરહદોને સન્માન આપો અને તેની એકતા-અખંડિતાનો આદર કરો. એ વખતે પાકિસ્તાનના ઈમરાન ખાન અને ચીનના ઝિનપિંગ ઓનલાઈન બેઠકમાં હાજર જ હતા. ભારત-ચીન વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે મોદી-ઝિનપિંગ કોઈ બેઠકમાં મળ્યા હોય.

મોદીએ કહ્યુ હતુ કે ભારત અન્ય દેશોની એકતા અને અખંડિતતાને માન આપે છે અને અન્ય દેશો પણ આપે એવી અપેક્ષા રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત હંમેશા દરેક સમસ્યા વાટાઘાડો વડે ઉકેલવામાં માને છે. આ બેઠકની અધ્યક્ષતા રશિયન પ્રમુખ પુતિને લીધી હતી. પુતિને કહ્યું હતું કે અમે બે રસી બનાવી છે અને ત્રીજી તૈયાર થઈ રહી છે. તૈયાર થયેલી બન્ને રસી સલામત છે, માટે તેના નામે અન્ય દેશોએ રાજકારણ ન રમવું જોઈએ.

ચીની પ્રમુખ ઝિનપિંગે કહ્યુ હતુ કે એસસીઓના સભ્ય દેશો વિવાદનો ઉકેલ સંવાદ દ્વારા લાવે એ જરૂરી છે. જોકે તેમની આ વાતનું તેઓ પોતે જ પાલન કરતા નથી, એ વાત જગજાહેર છે. પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને કાશ્મીરમાં ભારતે હટાવેલી કલમ 370 સામે અહીં પણ વાંધો રજૂ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે બળજબરી પૂર્વક કોઈ પ્રદેશ પોતાનામાં ભેળવી દેવાની કાર્યવાહીનો પાકિસ્તાન હંમેશા વિરોધ કરે છે. ઈમરાને ઉમેર્યું હતંું કે આવા પગલાઓથી શાંતિ જોખમાય છે. ટૂંકમાં કાશ્મીરમાં ભારતના પગલાથી ડરી ગયેલા ઈમરાને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો ડર રજૂ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news