પાણી પુરવઠા પ્રધાન ચૌધરીના ગામના પૂજારીનું બુકાનીધારીઓએ અપહરણ કરી માર માર્યો, ઇજાગ્રસ્ત પૂજારી વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

કાકડકોપર ગામમાં રહેતા અને મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી ગુજરાન ચલાવતા ભગત રીતેશ બાબુભાઇ અંધેરનું મંગળવારે નાનાપોંઢા-વાપી હાઇવે ઉપરથી 4 ઇસમોએ ઇકો કારમાં અપહરણ કરી લઈ જતા પંથકમાં ચકચાર મચી હતી. પૂજારી સવારે ઘરેથી ચા પીવા માટે નીકળ્યા હતા ત્યારે કાકડકોપર ગામે વિમલ ગુટખા ફેકટરીની સામે પોતાની કાર નંબર GJ15-CB-5869 માંથી ઉતર્યા તે દરમિયાન ચારથી પાંચ અજાણ્યા બુકાનીધારી ઈસમોએ રિતેશભાઈ બાબુભાઈ અંધેરને ધક્કો મારી જમીન પર પાડી દઈ તેને ઊંચકીને ઇકો કારમા અપહરણ કરી લઈ ગયા હતાં. અપહ્યત પૂજારી રીતેશભાઈ નું અપહરણ કરનારા બુકાનીધારીઓ તેને વાપી નજીક આવેલ કરમબેલા ગામ ખાતે લાવ્યા હતાં. જ્યાં તેને ઢીકામુક્કી નો માર મારી ઇજાગ્રસ્ત કરી ભાગી છૂટ્યા હતાં. ઘટના અંગે પૂજારીના પત્નીને જાણકારી મળતા તેમણે નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને લઈ નાનાપોઢા કપરાડા પોલીસ સ્ટેશનમાં ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. જોકે, તે બાદ અચાનક રિતેશ ભગતે તેમની પત્નીને ફોન કરી તે વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું. જેથી તેમના પત્ની અને અન્ય સગાસંબંધીઓએ પોલીસને જાણકારી આપી હોસ્પિટલે પહોંચ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રિતેશ અંધેરે જણાવ્યું હતું કે તેમનું અપહરણ કરનારા લોકોને તેઓ ઓળખતા નથી.
તેઓ અજાણ્યા હતા અને તેમને માર મારી નાસી છૂટ્યા હતાં. જે બાદ પોતે ઘાયલ અવસ્થામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવી ત્યાંથી રાત્રીના સમયે એક રિક્ષામાં વાપીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે તેમની કોઈ સાથે કોઈ દુશ્મની નથી. એટલે તેનું અપહરણ કરી મારનારા લોકો અંગે તે અજાણ છે. જો કે હાલ તો રાજ્યના પાણી પુરવઠા પ્રધાનના ગામના જ એક પૂજારીનું અપહરણ કરી માર મારવાની ઘટના બનતા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કરી ભેદ ઉકેલવા મથામણ આદરી છે. આવતી કાલે આ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસવડા પણ વધુ ઘટસ્ફોટ કરે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી છે. જે જોતા સમગ્ર ઘટના અંગે તે બાદ જ સાચી હકીકત જાણવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.