24 જ કલાકમાં 72 તાલુકાઓમાં વરસાદ, ભુજમાં સૌથી વધુ 2 ઈંચ: હજુ આગામી બે દિવસ આટલા જિલ્લામાં મેઘરાજા થશે કોપાયમાન

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. ક્યાક વરસાદ તો ક્યાક ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યમા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તો ક્યાક ભારે પવન ફુંકાયો હતો. ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યભરમાં માવઠાના માર સાથે વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી છાંટા પડી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું થઈ શકે છે.

શનિવારે 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદો નોંધાયો છે અને જેમાં સૌથી વધુ વરસાદ ભુજમાં નોંધાયો છે. ભુજમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરસ્વતીમાં 41 મી.મી, માંડલમાં 40 મી.મી, હિંમતનગરમાં 37 મી.મી, ધનસુરામાં 28 મી.મી,ડીસામાં 21 મી.મી, સિદ્ધપુરમાં 21 મી.મી, દાંતામાં 20 મી.મી, બેચરાજીમાં 18 મી.મી, માંડવીમાં 18 મી.મી, ઈડરમાં 17 મી.મી, પાટણમાં 16 મી.મી, વડગામમાં 13 મી.મી, વડનગરમાં 10 મી.મી, મોડાસામાં 10 મી.મી સુઈગામમાં 10 મી.મી, માંગરોળમાં 10 મી.મી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઇ છે.

રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. વિગતો મુજબ રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ થયા બાદ હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને વાત જાણે એમ છે કે, કેરી, ઘઉં અને ચીકુના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ પડેલા કમોસમી વરસાદ રાજ્યના 5 વ્યક્તિઓ માટે કાળ સાબિત થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ કમોસમી વરસાદ આગાહી કરાઇ છે અને આ દરમિયાન કમોસમી વરસાદની વચ્ચે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.