રાજ્યમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, 1495 પોઝિટિવ કેસ, 13 દર્દીઓના થયા મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તહેવારો બાદ રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં સ્થિતિ વણસે નહી તે માટે વિકેન્ડ કરફ્યૂ અમલમાં મુકાયો હતો. જે બાદ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યૂ અમલી બનાવવામાં આવ્યો. આવતીકાલથી રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યૂ અમલી રહેશે.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1495 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1167 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3859 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,79,953 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 72,35,184 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,02,685 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,02,573 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 112 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1495 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 318 અને જિલ્લામાં 23 કેસ, સુરત કોર્પોરેશન એરિયામાં 213 અને જિલ્લામાં 53 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 127 અને જિલ્લામાં 39 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 91 અને જિલ્લામાં 54 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 93 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,507 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,79,953 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3859 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.16% છે.

રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યૂ

અમદાવાદમાં આવતીકાલે સવારે વિકેન્ડ કરફ્યૂ પૂર્ણ થશે અને જનજીવન સામાન્ય બનશે. પરંતુ રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યૂ અમલી બની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આવતીકાલથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હવે ફક્ત નાઈટ કર્ફ્યૂ જ લાગૂ રહેશે, દિવસના કર્ફ્યૂમાંથી જનતાને મુક્તિ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યની જનતાને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં કોરોનાને સંક્રમણને ધ્યાને રાખતા હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ખાસ પાલન કરવું પડશે. સાથે જ તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદમાં કર્ફ્યૂ સમયે જનતાએ ખૂબ સહકાર આપ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં દિવસે કર્ફ્યૂ રહેશે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news