રાજ્યસભામાં જ્યારે સામસામે આવી ગયા દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા..

જૂન મહીનામાં જ્યારે સિંધિયાએ કમલનાથ સરકાર સામે મોરચો માંડેલો ત્યારે દિગ્વિજય સિંહે ખુલેઆમ કમલનાથનું સમર્થન કર્યું હતું

 

રાજ્યસભામાં આજે 45 નવા ચૂંટાયેલા સદસ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. તે પૈકીના 36 સાંસદ એવા છે જે પહેલી વખત રાજ્યસભા પહોંચ્યા છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી/પેટા ચૂંટણીમાં 20 રાજ્યોના 61 સદસ્ય ચૂંટાઈ આવ્યા છે જેમાંથી 45એ આજે શપથ ગ્રહણ કર્યા હતા. શરદ પવાર, દિગ્વિજય સિંહ અને રામદાસ અઠાવલે સહિત એવા 12 સીટિંગ સાંસદો છે જે આજે શપથ ગ્રહણનો હિસ્સો બન્યા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાજ્યસભા સદસ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

આ દરમિયાન રાજ્યસભાની એક દિલચસ્પ તસવીર પણ સામે આવી હતી. જ્યારે તમામ સાંસદો શપથ ગ્રહણ કરી રહ્યા હતા તે સમયે એક પળ એવી પણ આવી જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહનો આમનો-સામનો થયો. જ્યારે સિંધિયા અને દિગ્વિજય સિંહનો સામનો થયો ત્યારે બંનેએ એકબીજા સામે હાથ જોડીને અભિવાદન કર્યું હતું અને તે બંનેએ માસ્ક પહેરેલું હતું.

બંને નેતાઓ જ્યારે એકબીજાનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા ત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ પણ ત્યાં ઉપસ્થિત હતા. તે સમયે ગુલામ નબી આઝાદ પણ હાથ વડે કશો ઈશારો કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં સિંધિયા અને દિગ્વિજય સિંહની તસવીર એટલા માટે પણ ખાસ છે કેમકે બંને નેતા એક જ રાજ્ય મધ્ય પ્રદેશથી આવે છે. આ વર્ષે માર્ચ મહીનામાં જ્યારે સિંધિયાએ કમલનાથ સરકાર સામે મોરચો માંડેલો ત્યારે દિગ્વિજય સિંહે ખુલેઆમ કમલનાથનું સમર્થન કર્યું હતું. સિંધિયાની કોંગ્રેસ સામેની બગાવત પાછળનું એક કારણ રાજ્યસભાની સીટ પણ હતી જેના પર દિગ્વિજય સિંહ ચૂંટાઈને આવ્યા છે. હકીકતે સિંધિયા ઈચ્છતા હતા કે રાજ્યસભા સીટ પર તેમનું નામ પ્રાથમિકતા પર રાખવામાં આવે પરંતુ પાર્ટીએ તેમના બદલે દિગ્વિજય સિંહને પસંદ કર્યા એટલે સિંધિયા નારાજ હતા.

જો કે આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે માર્ચમાં હોળીના અવસર પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટો દાવ રમીને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં જવાનો નિર્ણય લીધો હતો. સિંધિયાના આ પગલા બાદ કમલનાથ સરકાર લધુમતીમાં આવી ગઈ હતી અને સિંધિયાની મદદથી ભાજપ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. ત્યાર બાદ જ્યારે રાજ્યસભા ચૂંટણી આવી તો સિંધિયાને રાજ્યસભામાં મોકલીને ભાજપે તેમનું બહુમાન કર્યુ હતું. તે સિવાય તેમના સમર્થકોને પણ શિવરાજ સિંહની કેબિનેટમાં મોટી ભાગીદારી અપાઈ હતી.

કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં ગયેલા સિંધિયા બુધવારે રાજ્યસભા પહોંચ્યા તો તેમનો સામનો જૂના જોડીદાર દિગ્વિજય સિંહ સાથે થયો હતો. જ્યારે દિગ્વિજય સિંહ મળ્યા ત્યારે બંનેએ હાથ જોડીને એકબીજાનું અભિવાદન પણ કર્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news