શેરબજારમાં વહેલી દિવાળી : સેન્સેકસ અને નિફ્ટી ઓલટાઇમ હાઈ સપાટીએ

વૈશ્વિક બજારોની તેજીની અસર ભારતીય બજારોમાં આજે પણ જોવા મળે તેવા એંધાણ

અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે અમેરિકાની ચૂંટણીમાં બાઈડેનનો વિજય થતાં વૈશ્વિક બજારો પર તેની સાનુકૂળ અસર જોવા મળી હતી. અમેરિકામાં રચાયેલ નવી સરકાર ભારતના હિતમાં રહેવા સાથે વેપારમાં વધારો થવાના સંકેતો સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારોમાં એક સપ્તાહ પહેલાં જ દિવાળીની ઉજવણી થઈ ગઈ હતી.

વિદેશી ફંડોની આગેવાની હેઠળ નીકળેલ ચોમેરની નવી લેવાલી પાછળ આજે બીએસઈ સેન્સેક્સ તેમજ એનએસઈ નિફ્ટી નવી ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે અનુક્રમે 42597 અને 12461ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવાદાસ્પદ સંજોગો ઉદભવ્યા બાદ આખરે ડેમોક્રેટીક ઉમેદવાર બાઈડન પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર થયા હતા.

આ જાહેરાત બાદ સમીક્ષકો અને ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા બાઈડન સરકારની નીતિઓથી ભારતને ફાયદો થવાનો તેમજ બંને દેશો વચ્ચે સંબંધો વધુ સારા થવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભારત-અમેરિકા વચ્ચેના વેપારમાં પણ વધારો થવાની ગણતરી મુકાઈ હતી. આ અહેવાલોની આજે ભારતીય શેરબજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.

તાજેતરમાં શરૂ થયેલા નવેમ્બર માસના પ્રારંભથી વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં મોટાપાયે ભંડોળ ઠાલવ્યા બાદ આજે પણ તેઓએ રૂા. 4548 કરોડની જંગી લેવાલી હાથ ધરતા બજારનું માનસ ઝડપથી સુધર્યું હતું. વિદેશી રોકાણકારો પાછળ સ્થાનિક ઓપરેટરો અને નાના-મોટા તમામ રોકાણકારો દ્વારા ચોમેરથી નવી લેવાલી હાથ ધરાતા આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં જ સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલટાઇમ સપાટીઓ હાંસલ કરી લીધી હતી.

જોકે, નવી સપાટી હાંસલ થવા બાદ ઉંચા મથાળે બજાર પાછું ફર્યું હતું. જોકે, કામકાજના મધ્યભાગ બાદ ફરી એકવાર નવી લેવાલી પાછળ તે ઝડપથી ઉંચકાયું હતું અને ફરી એકવાર ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શી ગયું હતું. બજારના ઉપરોક્ત પ્રવાહને દર્શાવતા સેન્સેકસ આજે ઈન્દ્રાડે વધીને 42645.33ની ઓલટાઇમ હાઈને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે 704.37 પોઈન્ટ ઉછળી 42597.43ની નવી વિક્રમી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ ઈન્દ્રાડે વધીને 12474.05ની ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે 197.50 પોઈન્ટ ઉછળી 12461.05ની નવી ટોચે બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૂા. 2.07 લાખ કરોડનો વધારો થતાં તે રૂા. 165.67 લાખ કરોડ પહોંચ્યું હતું. બીએસઈ પર આજે નવી લેવાલીના પગલે 1737 શેરોમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news