સાઉદીએ વિદેશી મુસ્લિમો માટે હજયાત્રા રદ્દ કરી, માત્ર સ્થાનિકોને જ અમુક શરતો સાથે હજ માટે મંજુરી

દુનિયાભરમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબીયાએ વિદેશી નાગરિકોને હજ યાત્રા 2020 (Hajj1441) માટે મંજૂરી ન આપવાની ઘોષણા કરી છે.

સાઉદીએ જાહેરાત કરી છે કે દેશમાં રહેતા ફક્ત સ્થાનિક લોકો અને દેશમાં રહેતા વિદેશી લોકોને અમુક શરતો સાથે હજ કરવાની છૂટ આપવામાં આવશે. આ ઘોષણા મુજબ આ વર્ષે આંતરરાષ્ટ્રીય હજ યાત્રાને રદ કરવામાં આવી છે.

સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે આ વર્ષે હજ રદ કરવામાં આવશે નહીં, પરંતુ કેટલાક પ્રતિબંધો સાથે ફક્ત મર્યાદિત સંખ્યામાં સ્થાનિક લોકોને તેમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.

સાઉદી અરેબીયા સલ્તનતે મંગળવારે કહ્યું હતું કે તે વિવિધ દેશોના ફક્ત તે લોકો જ હજમાં જોડાવા દેશે જે પહેલાથી દેશમાં રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હજ યાત્રા આ વર્ષ જુલાઇના અંતમાં શરૂ થશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકોમાં કોરોના ચેપને રોકવા માટે, તમામ રક્ષણાત્મક પગલાં પણ લેવામાં આવશે.

દર વર્ષે 20 લાખ લોકો હજ યાત્રા કરે છે

તમને જણાવી દઇએ કે સામાન્ય દિવસોમાં દુનિયાભરના 20 લાખ મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે આવે છે. મક્કામાં ઇસ્લામિક બાબતોના મંત્રાલયની શાખાએ શહેરની લગભગ 1,560 મસ્જિદોની સાવચેતી રાખવા સૂચનાઓ જારી કરી છે.

હુકમમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકોને મસ્જિદમાં નમાઝ દરમિયાન શારીરિક અંતરને જાળવવું અને તેમની ચટાઇ લાવવાની જરૂરી રહેશે. મંત્રાલયે શટડાઉન દરમિયાન તમામ મસ્જિદોની સફાઇની જવાબદારી એજન્સીઓને સોંપી છે.

કોરોના સંકટને કારણે ત્રણ મહિનાથી બંધ રહેલા પવિત્ર શહેર મક્કા શહેરમાં લોકોને આરોગ્ય સંબંધી સાવચેતી રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

સાઉદી અરેબિયાએ તેની સ્થાપનાનાં લગભગ 70 વર્ષોનાં સમય ગાળામાં ક્યારેય હજયાત્રા રદ્દ કરી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ઇસ્લામ ધર્મના પાંચ મૂળ આધારસ્તંભ છે, જેમાં હજ નો પણ સમાવેશ થાય છે.

દરેક મુસ્લિમની ઇચ્છા હોય છે કે તેના જીવનમાં ઓછામાં ઓછું એક વાર હજ કરે. દુનિયાભરમાં વધી રહેલા કોરોના ચેપને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયાએ ફેબ્રુઆરીમાં મક્કામાં આવનારા ‘ઉમરાહ’ યાત્રીકો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

સાઉદી અરેબિયાના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અન્ય દેશોના મુસ્લિમો હજ કરવા માટે સાઉદી અરેબિયા જઈ શકશે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news