સુશાંતના કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ : મહારાષ્ટ્ર સરકારનો વિરોધ

– નીતિશકુમારે કરેલી તપાસની ભલામણને રાજ્યપાલની મંજૂરી

– ગૃહમંત્રી અમિત શાહને સીબીઆઈ તપાસની ભલામણ કરનાર રિયા ચક્રવર્તીએ હવે તપાસનો વિરોધ કર્યો

 

સુશાંત સિંહ રાજપુતના મોતના કેસમાં બિહાર સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. જોકે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લીધેલા આ નિર્ણયનો રિયા ચક્રવર્તીના વકીલે વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે બિહાર સરકાર આ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી શકે નહીં.

નીતિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા દાખલ કરાયેલા કેસમાં રાજ્ય સરકારે સીબીઆઈ તપાસની ભલામણનો પત્ર મોકલી દીધો છે. સુશાંતના મોતની તપાસ કરવાના અિધકાર મુદ્દે બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે બિહાર સરકારની ભલામણથી નવો વિવાદ છેડાયો છે.

નીતિશ કુમારે અગાઉ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુશાંતના પિતાએ મંજૂરી આપ્યા પછી આ કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાનો તેમની સરકારે નિર્ણય કર્યો છે.

કેકે સિંહ રાજપુતે 25મી જુલાઈએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો અને તેના ખાતામાંથી કરોડો રૂપિયાની ઊચાપત કરવાનો આરોપ મૂકતાં પટનામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈ તપાસની મંજૂરી નહીં મળે ત્યાં સુધી મુંબઈ ગયેલી બિહાર પોલીસની એસઆઈટી મુંબઈમાં જ રોકાશે.

આ કેસમાં મુંબઈ પોલીસ બિહાર પોલીસને સહકાર નથી આપી રહી અને તેણે બિહાર સરકારે તપાસ માટે મોકલેલા આઈપીએસ અિધકારીને ‘બળજબરીથી ક્વૉરન્ટાઈન’ કરી દીધા હતા તેમ જણાવતાં નીતિશ કુમારે ઉમેર્યું કે દેશવ્યાપી ન્યાયક્ષેત્ર ધરાવતી હોવાના કારણે સીબીઆઈ આ કેસમાં અસરકારક તપાસ કરવા સક્ષમ બનશે.

જોકે, રિયા ચક્રવર્તીના વકીલ સતિષમાને શિંદેએ બિહાર સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો બિહાર સરકારને કોઈ અિધકાર નથી. તે વધુમાં વધુ ઝીરો એફઆઈઆર કરીને આ કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવાનો જ અિધકાર ધરાવે છે. નીતિશ કુમારની જાહેરાતને મહારાષ્ટ્ર સરકારે પણ નકારી કાઢી છે.

મહારાષ્ટ્ર સરકારે દાવો કર્યો હતો કે નીતિશ કુમારે આ પ્રકારની જાહેરાત કરીને રાજ્ય સરકારના અિધકારો પર તરાપ મારી છે. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, નીતિશ કુમાર સરકારે રાજ્યમાં કોવિડ-19 સામે લડવાની તેની નિષ્ફળતા તરફથી લોકોની ધ્યાન હટાવવા માટે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.

મહારાષ્ટ્રમાં થયેલા કોઈ ગૂનાની તપાસ બિહાર સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી. તેમણે ઉમેર્યું હતું કે બિહાર સરકાર રાજ્યોના આંતરિક માળખામાં કટોકટી સર્જવાનું કામ કરી રહી છે. આ અન્ય રાજ્યના અિધકાર પર તરાપ મારવાનું કામ છે, જે સ્વસૃથ લોકશાહી માટે યોગ્ય નથી.

સોશિયલ મીડિયા પર બંગાળી મહિલાઓ ટ્રોલ થઈ

સુશાંત કેસમાં પટનામાં રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાયા પછી સોશિયલ મીડિયા પર છેલ્લા એક સપ્તાહમાં અજાણ્યા લોકો દ્વારા બંગાળી મહિલાઓને ટ્રોલ કરવામાં આવતાં અને તેમની સાથે અભદ્ર વર્તન કરતાં કોલકાતા પોલીસના સાઈબર સેલે આ બાબતમાં તપાસ શરૂ કરી છે. પશ્ચિમ બંગાળ મહિલા કમિશનને મેઈલ પર બંગાળી મહિલાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળ્યા પછી પોલીસે આ તપાસ શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કેટલીક મહિલાઓએ તેઓ બંગાળી હોવાથી તેમણે અભદ્ર ભાષા અને ટ્રોલનો સામનો કરવો પડતો હોવા અંગે ફરિયાદો કરી હતી.

સુશાંત કેસમાં ગ્રાન્ટ થોર્નટન ફોરેન્સિક ઓડિટર નિમાયા

મુંબઈ પોલીસે મંગળવારે સુશાંત કેસની મોતના કેસમાં ગ્રાન્ટ થોર્નટનની ફોરેન્સિક ઓડિટર તરીકે નિમણૂક કરી છે. પોલીસ વ્યાવસાયિક દુશ્મની, ડીપ્રેશન અને નાણાકીય લેવડ-દેવડ જેવા વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહે તેના ખાતામાંથી કરોડો રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનો દાવો કરતાં પટનામાં એફઆઈઆર નોંધાવી હતી. આ આરોપો પછી મુંબઈ પોલીસની એક ટીમે શંકાસ્પદ નાણાકીય લેવડ-દેવડ શોધી કાઢવા માટે નાણાકીય ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news