પતિએ આ વાતને લઈને ના પાડતા મહિલાએ નવા વેડ-વરિયાવ બ્રિજ પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત..

અઠવાડિયા પહેલા ઓપનિંગ કરાયેલા વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી જેમાં ડભોલી પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. તેમની પત્ની અંજલી(41) મોપેડ લઈ ડભોલી વરીયાવ બ્રિજ પર પહોંચી હતી અને મોપેડ સાઈડમાં પાર્ક કરી બ્રિજ પર લગાવેલી જાળીની વચ્ચે ખાલી પડેલી જગ્યામાંથી તાપીમાં પડતું મુકી દીધું હતું અને જે પછી તેનું મોત થયુ હતુ.

બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાપીના ઉંડા પાણીમાં તેમની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન અંજલીબેનનો મૃતદેહ મળી આવતા તેમને 108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે પતિ અને ભાઈ દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા. અંજલીબેનને પણ દ્વારકા દર્શન કરવા માટે જવું હતું, પરંતુ ફક્ત પુરૂષો જતા હોવાથી બળવંતભાઈએ અંજલીબેનને ના પાડી હતી અને તેમની માતાને બોલાવી તેમની સાથે પિયર જવા માટે કહ્યું હતું.

પતિએ દ્વારકા આવવાની મનાઇ કરતા અંજલીબેનને માઠુ લાગી આવ્યું હતું. અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે અને અંજલીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.