ગીર જંગલમાં ધરાશાયી વૃક્ષ, જો અંદર પડેલા વૃક્ષો હટાવાય તોજ સિંહ માટે ફાયદો.

તાઉતે વાવાઝોડાને લીધે જંગલમાં પણ વૃક્ષોનો સોથ બોલી ગયો છે. વનવિભાગના અંદાજ મુજબ 30 લાખ કરતાં વધુ વૃક્ષો વાવાઝોડામાં ધરાશાયી થઇ ગયા છે. વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, ગીર અભયારણ્ય, નેશનલ પાર્ક અને અન્ય વિસ્તારો મળી અંદાજે 30 લાખ કરતાં વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. જો કે, આ વૃક્ષો પડી જતાં લાંબા ગાળે જંગલમાં સિંહને મુવમેન્ટ માટેની જગ્યા વધી જતાં જંગલમાં તેની સંખ્યા વધવા માટે અનુકૂળ સંજોગો સર્જાઇ શકે એમ છે. કારણકે, વૃક્ષો પડી જતાં જે જગ્યા થાય ત્યાં ઘાસ ઉગે જે હરણ અને સાબર જેવા તૃણાહારી પ્રાણીઓ માટે ખોરાકના સ્પોટ ઉભા થાય. એના પરિણામ સ્વરૂપે જંગલમાં રહેતા સિંહની સંખ્યામાં વધારો થઇ શકે. કારણકે, જંગલની સિંહ માટેની કેરીંગ કેપેસિટી વધે છે.

સમયસર વૃક્ષ હટાવવા જરૂરી;
લાખો વૃક્ષો ધરાશાયી થયા છે. એનાથી સિંહને ફાયદો ખરો. પણ જો તે સમયસર હટાવાય તો જ. સામાન્ય સંજોગોમાં વનવિભાગ ફક્ત કેડી કે ફેરણા માટેના રસ્તા પર કે તેની નજીક પડેલા વૃક્ષો જ હટાવે છે. ગાઢ જંગલમાં તેને હટાવવા સહેલા પણ નથી હોતા.

ક્યા પ્રકારના વૃક્ષો કેવી રીતે પડ્યા?

સાગ, દેશી બાવળ, કરંજ, લોદરી જેવા વૃક્ષો બટકી જઇને તૂટી પડ્યા છે. જ્યારે પીપળ, આંબા, વડલા, જેવા વૃક્ષો ઉખડી ગયા છે. ચોમાસું હોત તો જમીન પોચી હોવાથી વધુ વૃક્ષો પડી ગયાં હોત. જંગલ ઉપરાંત બાગાયતના 11 લાખ અને રસ્તા પર 1 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.