વડાપ્રધાને કોરોના સામેની લડાઈમાં ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સની મદદ માગી

કોરોના મહામારીના સમયમાં હાલ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, ત્યારે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૪૦થી વધુ ટોચના રમતવીરો સાથે વિડિયો કોલથી વાતચીત કરી હતી અને હાલની પરિસ્થિતિ સામે લડવા માટે તેમની મદદ માગી હતી. વડાપ્રધાન સાથે વિડિયો કોલથી ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી, લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકર, ભારતીય ટીમનો કેપ્ટન કોહલી, વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયન પી.વી. સિંધુ સહિતના સ્ટાર્સ જોડાયા હતા. તમામ રમતવીરોએ આ કપરાં સમયમાં લોકજાગૃતિ ફેલાવવાની સાથે પોત પોતાની જવાબદારી અસરકારક રીતે નિભાવવાની ખાતરી આપી હતી.

આજે સવારે ૧૧ વાગ્યાથી વડાપ્રધાને દેશના ટોચના રમતવીરો સાથે વિડિયો કોલથી વાતચીત શરૃ કરી હતી.જે આશરે એક કલાક સુધી ચાલી હતી અને આ સમયે રમતમંત્રી કિરણ રિજીજુ પણ ઉપસ્થિત રહ્યા હતા. લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરે તારીખ ૧૪મી એપ્રિલે લોકડાઉન પુરુ થાય તે પછી પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. જ્યારે તાજેતરમાં આરોગ્યકર્મી અને પોલીસકર્મીઓ પર થયેલા હિચકારા હૂમલા અંગે એથ્લીટ હિમા દાસે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અન્ય રમતવીરોએ લોકડાઉન અંગેના પોતપોતાના અનુભવોનું વર્ણન કર્યું હતુ. દેશના મોટાભાગના ટોચના ખેલાડીઓએ પોતપોતાની રીતે કોરોના સામેની લડાઈ માટે દાન આપ્યું હતુ.

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૦૦૦ના આંકડાને પાર કરી ચૂકી છે, ત્યારે વડાપ્રધાને રમતવીરોને અપીલ કરી હતી કે, તેઓ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (એકબીજાથી અંતર રાખવું ) અંગે તેમજ વ્યક્તિગત રીતે સ્વચ્છતાના ધોરણોને જાળવવા માટે લોકજાગૃતમાં મદદરુપ બને. વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા સાઈ પ્રણિતે વડાપ્રધાન સાથેના વિડિયો કોલની એક ક્લિપ શેયર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતુ કે, તમારા સલાહ-સૂચનની નોંધ લેવામાં આવી છે અને આપણે આ મહામારી સામે ટીમ ઈન્ડિયાની જેમ લડી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે, તમારા દ્વારા પુરી પાડવામાં આવેલી પ્રેરણા વડે ભારતનો કાયાકલ્પ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news