નવજાત દિકરીને મોતનાં હવાલે નદી કિનારે કોણે મૂકી..?

પંચમહાલના મોરવાના સંતરોડ નજીક પસાર થતી પાનમ નદીના પુલ નીચેથી ગઈકાલે નવજાત બાળકી મળી આવી હતી. ત્રણ દિવસના માસુમ કલેજાના ટુકડા સમાન દીકરીને કોઈ નિષ્ઠુર માતા મોતના હવાલે છોડી ગયા.

નવજાતના રૂદનથી નદીનો પટ ચીરાઈ જતો હતો એવું લાગ્યું ;
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સંતરોડથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલના મોરવાના સંતરોડ નજીકથી પસાર થતી પાનમ નદીના પુલ નીચેથી એક નવજાત બાળકી ઓઢણીમાં લપેટલી હાલતમાં મળી આવી હતી. ફૂલ જેવી માસૂમ દીકરીને કોઈ કુંવારી માતા પોતાનું કુકર્મ છુપાવવા માટે અથવા તો દીકરાની ઘેલછામાં દીકરી અવતરી એ સહન ન માતા અથવા તેના પરિવારજનો મરવા છોડી ગયા હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. બાળોતિયામાં વીંટળાયેલી આ નવજાતના રૂદનથી નદીનો પટ ચીરાઈ જતો હતો એવું લાગી રહ્યું હતું. ગત રોજ બપોરના સમયે પાનમના પુલ નીચેથી પસાર થતા શ્રમજીવી રાહદારીઓ આ બાળકી માટે ફરિશ્તા બની આવ્યા હતાં. આ રાહદારીઓ પુલ નીચેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન બાળકના જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી તેમની નજર મોત ને હવાલે કરાયેલ બાળકી પર પડતા તેમને મોરવા હડફ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ત્રણ દિવસ પહેલા જન્મેલી બાળકીને છોડી દેવાઈ  ;
જે રાહદારીઓ એ આ બાળકીને જે હાલતમાં જોઈ હતી, તેમના કહેવા મુજબ બાળકી એટલી જોરથી રડી રહી હતી અને જે હાલતમાં મળી આવી તે દ્રશ્ય જોઈ ઉપસ્થિત તમામ લોકોના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતાં. બાળકી જીવિત હાલતમાં હોઈ રાહદારીઓએ તાત્કાલિક મોરવા પોલીસનો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બાળકીની હાલત જોતા માત્ર ત્રણ દિવસ પહેલા જન્મેલી હોવાનું જણાઈ આવતા નવજાતને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું ડોક્ટર દ્વારા જણાવાયું હતું. પરંતુ નિયમ મુજબ હવે આ બાળકીને સરકારી આશરામાં મોકલવામાં આવશે.

આ સમગ્ર મામલે મોરવા હડફ પોલીસે બાળકીને ત્યજી જનાર વ્યક્તિઓના વિશે પણ ખાનગી રાહે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news