તાલિબાનના આગમનથી પાક.માં આતંકી હુમલા વધી ગયા, અફઘાની સરહદે તંગદિલી સર્જાય છે..

તાલિબાન પાકિસ્તાન માટે અનેક મોરચા ઉપર જોખમી બની રહ્યા છે

પાકિસ્તાન ભલે તાલિબાનનું હિમાયતી હોય પણ તે અનેક મોરચે એકસાથે પાકિસ્તાન માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. અને સ્થિતિ એવી છે કે અફઘાન પર તાલિબાનના કબજા બાદ પાકિસ્તાનમાં આતંકી હુમલા 56 ટકા સુધી વધી ગયા છે તેમજ હુમલાની દૃષ્ટિએ 2021 છેલ્લાં ચાર વર્ષમાં સૌથી ખરાબ રહ્યું. ડ્રગ્સ તસ્કરી,આતંકી હુમલા ઉપરાંત તાલિબાન બંને દેશોને અલગ કરતી ડુરંડ રેખા પર પાકિસ્તાનની વાડાબંધીનો વિરોધ પણ કરી રહ્યા છે.

આ મામલે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે અમુક તોફાની તત્ત્વો સુનિયોજિત રીતે આ મુદ્દાને ઉછાળી રહ્યાં છે જ્યારે વિપક્ષી દળો ઈમરાન સરકારને ઘેરી રહ્યાં છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ સલીમ માંડવીએ જણાવ્યું કે ઈમરાન સરકાર પહેલા દિવસથી જ વિદેશનીતિ અંગે અસમંજસની સ્થિતિમાં છે.

ગત દિવસોમાં સરકારે આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે સમજૂતી કરવા સહિત અનેક મોટી ભૂલો કરી છે અને હવે તાલિબાન દ્વારા પાક.ને વાડાબંધી કરતું રોકવું તે મોટી નિષ્ફળતા છે માટે આ ઘટનાઓ પાક.ની સંપ્રભુતા અને અખંડતા પર કલંક છે.

ચાર વર્ષથી વાડાબંધીના પ્રયાસ અને દરેક વખતે પાકિસ્તાન સરકારની ભૂંડી હાર થઈ છે.સરહદી વિવાદ અંગે બંને દેશો વચ્ચે પહેલાંથી લોહિયાળ સંઘર્ષ થયા છે અને પાકિસ્તાન 2017થી 2600 કિ.મી. લાંબી સરહદે વાડાબંધી કરી રહ્યું છે પણ તેમાં નિષ્ફળ રહ્યું છે. આ દરમિયાન પાક. સૈનિકોને અનેકવાર આતંકી હુમલા સહન કરવા પડ્યા અને આ હુમલામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ઈસ્લામાબાદથી આશા હતી કે આ જૂના મુદ્દાને ઉકેલવામાં તાલિબાન તેની મદદ કરશે પણ એવું થતું દેખાઈ રહ્યું નથી.

નિષ્ણાતોએ કહ્યું – તાલિબાનોનું હનીમૂન સમાપ્ત અને ઈમરાન સરકાર કડકાઈ કરે અફઘાની બાબતોના નિષ્ણાત મહેમૂદ શાહે ભાસ્કરને જણાવ્યું કે તાલિબાનનો હનીમૂન પિરિયડ સમાપ્ત થઇ ગયો છે અને પાક. સરકારે કડકાઈ કરવાની જરૂર છે. આ મુદ્દે સરકારની નીતિ સ્પષ્ટ હોવી જોઇએ કેમ કે પાક.-અફઘાન સરહદે આતંકી સંગઠનની ટીટીપી હાજરી આવી ઘટનાઓનું મોટું કારણ છે. સરહદની સાથે સાથે અફઘાનમાં હથિયાર તસ્કરો જેવા અનેક સ્ટેકહોલ્ડર છે અને તે નથી ઈચ્છતા કે સરહદે વાડાબંધી થાય.

તાલિબાનનો ચહેરો ઉઘાડો થયો, આ હરકતોથી તે પાક. પર દબાણ કરવા ઈચ્છે છે
ઈસ્લામાબાદમાં ઈન્ટરનેશનલ ઈસ્લામિક યુનિવર્સિટીમાં રાજકારણ અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર મોહમ્મદ ખાન ભાસ્કરને જણાવે છે કે આ ઘટના તાલિબાનનો અસલ ચહેરો બતાવે છે. સરહદે તાજેતરનો ઘટનાક્રમ સંકેત છે કે તાલિબાન અને ટીટીપી આ હરકતોથી પાક. પર દબાણ બનાવવા ઈચ્છે છે. તેનો સીધો મતલબ એ છે કે તાલિબાને ટીટીપી અને અન્ય આતંકી જૂથોને પાક. વિરુદ્ધ સ્વતંત્ર રીતે કાર્યવાહી કરવા છૂટ આપી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.